Gujarat Monsoon: રાજ્યમાં આજે સવારથી ઘણા શહેરોમાં વરસાદ શરૂ થયો છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, મારા મતે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજનો દિવસ સામાન્ય વરસાદ રહેશે, આગામી 10 દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ પડશે.



કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાશેઃ અંબાલાલ પટેલ


અંબાલાલ પટેલે એમ પણ કહ્યું, નર્મદા અને સાબરમતી નદી આગામી 10 દિવસોમાં બે કાંઠે વહેતી થશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ થશે. અમદાવાદના ધોળકા અને ધંધુકા વિસ્તારમાં વરસાદ પડશે. ગોધરા સહિત પંચમહાલના વિસ્તારોમાં હજુ વધારે વરસાદ પડશે. ચોટીલા પંથકમાં પણ આગામી 10 દિવસોમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ આગામી 10 દિવસની અંદર ભારે વરસાદ પડશે. કેટલીક જગ્યાએ પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.




ત્રણ કલાકમાં અમદાવાદ સહિત અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આજે સવારથી રાજ્યમાં પંચમહાલ, ખેડા, વડોદરામાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ કલાક પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જે મુજબ મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે.ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબીમાં પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે  વરસાદ થઇ શકે છે. 




નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નડિયાદના રબારીવાડ વિસ્તાર, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા લોકો અને વાહનો લઈને જતા નાગરિકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ  કર્યું હતું.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial