રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નક્કી કર્યાં મુજબ આવતીકાલથી સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસ સેવા કાર્યરત રહેશે. પણ રાજ્ય સરકાર સૂચના ના આપે ત્યાં સુધી અમદાવાદનું મુખ્ય બસ સ્ટેન્ડ ગીતામંદિર ચાલુ કરવામાં આવશે નહીં.
ગીતા મંદિર બસ સ્ટેન્ડ બંધ હોવાથી અમદાવાદમાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા પ્રમાણે સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરુનગરથી બસ મળશે જ્યારે દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરુનગર અને કૃષ્ણનગરથી બસ મળશે. ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરુનગરથી બસ મળશે જ્યારે મધ્ય ગુજરાત અને પંચમહાલ તરફ જવા માટે રાણીપ અને નહેરુનગરથી બસ મળી રહેશે. સરકાર દ્વારા એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે, કોઈ પણ બસનો રૂટ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ.
બસના મુસાફરો ઈ-ટિકિટ/મોબાઈલ ટિકિટથી મુસાફરી કરે તેવી રાજ્ય સરકારે અપીલ કરી છે. આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડક્ટર પાસેથી ટિકિટ મળી રહેશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે બસ ઉપડે તેની ઓછામાં ઓછા 30 મિનિટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.