અમદાવાદ: ‘નીલકંઠ’ મુદ્દે નિવેદન આપીને મોરારી બાપુ વધુ ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. નિવેદન મામલે માફી પણ માગી લીધી હોવા છતાં પણ આ વિવાદ મોરારી બાપુનો પીછો નથી છોડી રહ્યું. હવે BAPS સંસ્થા દ્વારા પણ મોરારી બાપુને આડે હાથ લીધા હતા. અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, મોરારી બાપુ વિકૃત આનંદ લઈ રહ્યા છે તો BAPS દ્વારા મોરારી બાપુ પાસે માફીની માગ કરી છે.

BAPSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, મોરારી બાપુએ સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓ, ભગવાન શ્રી સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની પરંપરાઓનું અપમાન કરવાની તક જતી કરતાં નથી. કરોડો લોકોની આસ્થાનું ખંડન કરનારા મોરારી બાપુને કોઈએ એવો પાઠ ભણાવવાની જરૂર છે. રામ કથા છોડી આવા ઘોર અપરાધમાં આનંદ માણતાં બાપુ આસ્થાનું ખંડન કરી આનંદ માણી રહ્યા છે.

નિલકંઠવર્ણીને લઈ મોરારી બાપુના નિવેદન મુદ્દે BAPS વ્યથિત છે. BAPSના અક્ષરવત્સલ સ્વામીએ મોરારીબાપુ પાસે માફીની માગ કરી છે. મોરારી બાપુ જાહેરમાં માફી માગે તેવી ભક્તોની માગ હોવાનું અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતું કે, મોરારીબાપુના નિવેદનથી હજારો ભક્તોને આઘાત લાગ્યો છે. અગાઉ પણ અનેકવાર મોરારી બાપુ અજ્ઞાન પ્રદર્શિત કરી ચૂક્યા છે.