Gujarat Rain: અમદાવાદમાં  હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે  વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. હાલમાં વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

સંત સરોવર માંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા આ નિર્ણય લેવાયો 

આજે સવારે ૬:૩૦ કલાકે ધરોઈ ડેમમાંથી ૯૪,૪૩૨ ક્યુસેક પાણીનો જથ્થો અને સંત સરોવરમાંથી ૬૮,૫૮૫ ક્યુસેક પાણી  સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમનું પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે ૧૧ થી ૧૨ કલાક અને સંત સરોવરનું પાણી ૧ કલાક જેટલો સમય લે છે.

હાલમાં વાસણા બેરેજમાંથી ૩૨,૪૧૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બેરેજના ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી, સાબરમતી નદીના કાંઠાના ગામોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક તંત્ર પણ આ પરિસ્થિતિને લઈને હરકતમાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને તેમણે 'મેઘ તાંડવ' ગણાવ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બની છે, જેના કારણે 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે ગાજવીજ, ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.

હાલમાં ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ 4 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે હવે વધુ તીવ્ર બનશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય છે. આ સિસ્ટમ અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી તે વધુ મજબૂત બનીને ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે.