અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસને હવે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. પ્રદેશ પ્રમુખના પદની રેસમા 3 દિગ્ગજનેતાઓ હોવાનું સામે આવ્યું છે. આ રેસમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નામ સૌથી મોખરે છે.
આ ઉપરાંત પૂર્વ કેન્દ્રિયમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષીનેતા અર્જુન મોઢાવડીયાનું નામ પણ પ્રમુખ પદની યાદીમાં છે. ભરતસિંહ સોલંકી આજે સવારે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.
આગામી દિવસોમાં અન્ય સિનિયર નેતાઓને બોલાવવામાં આવશે. આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી-પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અવિનાશ પાંડે નક્કી માનવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં ભડકો, 30થી વધુ હોદેદ્દારો આમ આદમી પાર્ટીમાં જોડાયા
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષો કામે લાગી ગયા છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. વઢવાણ નગરાપાલિકાના પૂર્વ પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તો સોશિયલ મીડિયા સેલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પણ રાજીનામું પડી ગયું છે. હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તમામ સભ્યો આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય હવે બાકી રહ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ પૂરેપૂરી તાકાત લગાવશે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસના હોદેદારો, પૂર્વ હોદેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આપ પાર્ટીનો ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું હતું. કૉંગ્રેસના હોદ્દેદારો, પુર્વ હોદેદારો સહીત અંદાજે 30 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠીત થઈ એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ચૂંટણીઓને લઈને દોડધામ અત્યારથી ચાલુ છે. ભાજપ પાસે સત્તા ચાલુ રાખવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસને 2024માં જો મજબૂતાઈથી લડવું હોય તો સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે.