અમદાવાદ: કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. છેલ્લા ઘણાં દિવસથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતાં. કોરોના પોઝિટિવ આવ્યા એ પહેલા તેઓ બિમાર હતા. બદરૂદ્દીન શેખને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો.

બદરૂદ્દીન શેખને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની એકદમ નજીકના માનવામાં આવતાં હતા. એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં હતા. કોંગ્રેસ માટે ખૂબ જ મોટી ખોટ પડી છે. તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. તેમની ઉંમર 65 વર્ષની હતી.

નોંધનીય છે કે, અમદાવાદના દાણીલીમડા-બહેરામપુર સહિતના વિસ્તારોમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરૂરીયાતમંદોની મદદે તેઓ દોડી ગયા હતા. પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવી અને જરૂરીયાતમંદોને રાહત કીટો પહોંચાડવા માટે તેઓ તેમના મતવિસ્તારમાં લોકોની વચ્ચે રહેતા હતા. તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે ચેપ તેમનાથકી તેમની પત્નીને પણ લાગ્યો હતો. તેમની પત્ની હાલમાં એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહી ચૂક્યા હતા. વર્ષ 2010માં AMCના વિપક્ષના નેતા હતા. 2000થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા પણ રહ્યાં હતાં. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી હતા. આ સિવાય પણ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1979-1980માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.

દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં તેઓ એક સ્કૂલ પણ ચલાવી રહ્યા છે અને અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલ છે. નવગુજરાત કોલેજમાં જીએસ તરીકે રહ્યા બાદ તેમણે લોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વકીલ બન્યા હતા અને પછી કોંગ્રેસ સાથે રાજકારણમાં જોડાઈ ગયા હતા.