અમદાવાદઃ ગુજરાતમાં બફારો વધતાં લોકો પરેશાન છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.

આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે બીજે હળવો વરસાદ થશે. મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે આગામી 5 દિવસ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી છે.



એ પછી 4 જૂલાઇએ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહિસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી છે.

એ પછીના ત્રણ દિવસ એટલે કે 5-6-7 જૂલાઈએ ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે.