અમદાવાદ: દેશમાં કેરળ સહિત અનેક રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. શનિવારથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યના નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બે દિવસ બાદ ગરમીમાં રાહત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ચોમાસાનું પણ આગમન થશે.

આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાના કારણે ગુજરાતમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.