દિવાળી બાદ અમદાવાદમાં કોરોના (Corona Virus)ના કેસમાં ઉછાળો આવ્યો છે. બુધવારે 16 બાદ ગુરુવારે પણ 14 કેસ નોંધાતા શહેરમાં 2 દિવસમાં 30 જેટલા કેસ નોંધાયા છે. શહેરમાં ગુરુવારે ચાંદખેડામાં પાંચ, ઘાટલોડિયામાં 3, ચાંદલડિયા, વેજલપુર અને જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)નો નવો 1-1 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં 1-1 કેસ મળી કુલ 14 કેસ નોંધાયા હતા. ઈસનપુર વોર્ડમાં આવેલા દેવકેસલ ફ્લેટ-1ના વીસ ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઈમેંટમાં મુકવામાં આવ્યા છે.


અમદાવાદમાં પાંચ મહિના પછી કોઈ વિસ્તારને કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે બુધવારે પણ જોધપુર વોર્ડમાં કોરોના (Corona Virus)ના પાંચ, ચાંદખેડા, ઈસનપુરમાં 4-4 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ લોકોને કોવિડ રસીકરણ કરાયું છે.


અમદાવાદમાં આજથી AMTS, બીઆરટીએસમાં કોવિડ વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોય તો તેમને પ્રવેશ નહીં મળે. બુધવારે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા કોર્પોરેશને સંક્રમણને નિયંત્રિત કરવા AMTS, BRTS ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ,સ્વિમિંગ પુલ,લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, AMC હસ્તકની તમામ કચેરીઓ, સિવિક સેન્ટરોમાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં.


આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે કોરોના (Corona Virus) વેકિસનના બંને ડોઝ લીધા હોવા અંગેનું પ્રમાણપત્ર બતાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હજુ પણ નવ લાખથી વધુ લોકોએ કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો હજુ બાકી છે.


શહેરના ઉત્તર ઝોનમાં  સૌથી વધુ ૧ લાખ ૬૦ હજાર ૧૯૨ લોકોએ હજુ સુધી કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લીધો નથી. જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૭૯ હજાર ૧૦૫ લોકોને કોરોના (Corona Virus) વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આ તમામ લોકોને ઝડપી રસી લઈ લેવા માટે સમજાવવામાં આવશે.