World Cup 2023 : અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઇ વોલ્ટેજ મેચ માટે પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે. બે દિવસ અગાઉ બીસીસીઆઇને ઇમેઇલ મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનારાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ધમકી આપનાર કરણ માળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે આજે પ્રેસ કોન્ફ્રરન્સ કરે તેવી શક્યતા છે.                        


નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી સંભાવના છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે. પાકિસ્તાન ટીમ અને ભારતીય ટીમની સુરક્ષામાં કોઇ કસર છોડવામાં આવશે નહીં.        


શહેરમાં અત્યારથી જ પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં કુલ  21 DCP, 47 ACP, 131 PI, 4 આઈજી-ડીઆઈજી, 369 PSI સહિત 7000થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા કરવામાં આવશે. જો કે સ્થાનિક પોલીસ સિવાય પણ 3 NSG ની ટીમ સાથે એક એન્ટી ડ્રોન ટીમ દ્વારા પણ સુરક્ષા કરવામાં આવશે. આ સાથે જ 2000 થી વધુ સીસીટીવી કેમેરાથી દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે.          


BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.