American Airlines Catch Fire: ગુરુવારે (13 માર્ચ) સાંજે અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006ના એન્જિનમાં આગ લાગી હતી. આ પ્લેન ડલ્લાસ ફોર્ટ વર્થ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જવાનું હતું, પરંતુ એન્જીનમાં ખરાબીના કારણે તેને ડેનવર તરફ વાળવામાં આવ્યું હતું. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું, પરંતુ C-38 ગેટ પર ઊભું થયા પછી એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે મુસાફરોને તરત જ બહાર કાઢવામાં આવ્યા.
એરપોર્ટ અધિકારીઓ અને અમેરિકન એરલાઇન્સના નિવેદનો અનુસાર, પ્લેન લેન્ડ થયા બાદ ટાર્મેક પર ગાઢ કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ઘટના સમયે ફ્લાઇટમાં 172 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. તમામને તરત જ ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકન એરલાઇન્સ નિવેદન
અમેરિકન એરલાઈન્સે જણાવ્યું હતું કે, "અમે અમારા ક્રૂ મેમ્બર્સ, ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમનો સમયસર પગલાં લેવા બદલ આભાર માનીએ છીએ, જેણે આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સુનિશ્ચિત કરી."
વિમાન તકનીકી સમસ્યા
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1006 કોલોરાડો સ્પ્રિંગ્સથી ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાની હતી, પરંતુ એન્જિનમાં ટેકનિકલ સમસ્યાને કારણે તેને ડેનવર એરપોર્ટ તરફ વાળવી પડી હતી.
શું કહ્યું મુસાફરોએ?
સીબીએસ ન્યૂઝ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં કેટલાક મુસાફરો પ્લેનની પાંખ પર ઉભા જોવા મળ્યા હતા, જ્યારે ફ્લાઈટની આસપાસ ધુમાડો ફેલાયો હતો. જો કે, કોઈ પેસેન્જર કે ક્રૂ મેમ્બરને કોઈ નુકસાન થયું નથી. એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.
ભાવિ તપાસ અને સુરક્ષા પગલાં
આ ઘટના બાદ વિમાનના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવશે. એરલાઈને કહ્યું છે કે તે ઘટનાની સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.