વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચાલક નબીરાએ એક સાથે સાતને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.  મોડી રાત્રે નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ થયું મોત તો ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા.

અકસ્માત વખતે કારમાં બે લોકો સવાર હતા જેમાંથી એક યુવક ફરાર થઈ ગયો હતો. પણ કારચાલક યુવાનને લોકોએ દબોચી માર માર્યો હતો. બાદમાં પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીનું નામ રક્ષિત ચૌરસિયા અને મૂળ વારાણસીનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં તે એમ એસ યુનિ.માં લૉ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.

કારેલીબાગના આમ્રપાલી રોડ પર પૂર ઝડપે કાર ચલાવી બે ટુ વ્હીલર સહિત અનેકને અડફેટે લીધા હતા. બાળકી સહિત અન્ય ચાર ગંભીર ઘાયલ થયા હતા. ઘાયલોને રાત્રે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. કાર ચાલક રક્ષિતની કારેલીબાગ પોલીસે અટકાયત કરી હતી. લોકોનું માનવું છે કે અકસ્માત સમયે નબીરો રક્ષિત 100 કિલોમીટરથી વધુની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. પોલીસની જાણકારી મુજબ અકસ્માતમાં હેમાલીબેન પટેલનું મોત થયું હતું. જ્યારે પૂરવ દીપકભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નિશાબેન શાહ, રેન્સિ શાહ અને જિમ્મી શાહને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. કારેલીબાગ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ગીર સોમનાથના કોડિનાર હાઈવે પર આજોઠા ગામ પાસે ખાનગી બસ પલટી ગઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા વેરાવળ સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા. બસ ચાલકે કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના શાશ્વત-2 સોસાયટી પાસે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.