આણંદ: ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.
સાબરકાંઠા: આજે ઠેરઠેર ભક્તિ ભાવ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે. આજે ગણેશ વિસર્જન માટે ગયેલા કેટલાક યુવાનો પૈકીના બે યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. સાબરમતી નદીમાં બે યુવાનો ગણેશજીની મૂર્તિ વિસર્જન કરતા સમયે ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાંતિજના ગલતેશ્વર ખાતે બે યુવાનો સાબરમતી નદીમાં ડૂબ્યા છે. પ્રાંતિજના તાજપુર અને ગાંધીનગરના પીપરોજના બે યુવાનો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાનવી જાણ તાત્કાલિક પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ તથા હિંમતનગર ફાયર ટીમને જાણ કરવામા આવી હતી. પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પાણીમાં યુવાનોની શોધખોળ આદરી હતી.
ભાદરવી પૂનના મેળામાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. દરમિયાન ફરજ પરનો પોલીસ જવાન યુવક માટે દેવદૂત બનીને આવ્યો અને તેનો જીવ બચાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં ભાદરવી પૂનમમાં એક યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારે ફરજ પરના પોલીસ જવાને યુવકને CPR આપી જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસ વાન મારફતે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી હતી.
ભાદરવી પૂનમ-૨૦૨૩ મહામેળા દરમિયાન એક યુવકને હાર્ટ અટેક આવતા બેભાન થઇને ઢળી પડ્યો હતો. દરમિયાન સ્થળ પર હાજર પોલીસ દ્વારા CPR આપીને યુવકને ભાનમાં લાવી જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડીને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.