Anand: આણંદ જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જબરદસ્ત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. જોકે, પોલીસ બાદમાં ટોળા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના ઉમરેઠનાં ઓડ બજારમાં ગઇકાલે બે જૂથો વચ્ચે તંગદિલી જોવા મળી હતી. અહીં ઓડબજાર તકિયા વિસ્તારમાં બે જૂથો અચાનક કોઇ વાતને લઇને મારામારી પર ઉતરી આવ્યા હતા, પહેલા બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, બાદમાં એક કોમનું ટોળું હાથમાં લાકડીઓ અને ડંડાઓ લઇને બાઈક પર ઘસી આવ્યુ હતુ. બાદમાં બન્ને જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જોકે, બાદમાં પોલીસે એક્શન લેતા ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. ઉમરેઠ પોલીસે આ મામલે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


ઉપસરપંચે ધર્મપરિવર્તન માટે દબાણ કરતા વૃદ્ધ દંપત્તિએ ગામમાંથી હિજરત કરતા ખળભળાટ


ગળતેશ્વર તાલુકાના ખાખરીયા ગામના વૃદ્ધ દંપત્તિએ હિજરત કર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વૃદ્ધ દંપત્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના ઉપસરપંચ દ્વારા તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવે છે. તમામ ફરિયાદ સાથે વૃદ્ધ દંપત્તિ ફુલાભાઈ અને તેમની પત્ની મંજુલાબેન ન્યાય માટે સેવાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.પોલીસે વૃદ્ધ દંપતિની અરજી સ્વીકાર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તો બીજી તરફ ઉપસરપંચ હર્ષદભાઈ મકવાણા દ્વારા તેમની પર લગાવેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા.


મૂળ હિન્દુ વૃદ્ધ પતિ પત્નીને ગામના ઉપસરપંચ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો છે. વૃદ્ધ પતિ પત્નીના કુટુંબીજનોએ અગાઉ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. પરંતુ આ વૃદ્ધ પતિ પત્ની ખિસ્તી ધર્મ અપનાવવા માગતા નથી. ખ્રિસ્તી ધર્મ નહીં અપનાવતા વૃદ્ધ પતિ પત્નીએ ગામમાંથી  હિજરત કરવી પડી હોવાનો આક્ષેપ લાગ્યો છે. હિજરત કર્યા બાદ વૃદ્ધોના ઘર પાછળ રહેલા સામાનને વેરવિખેર કરવામાં આવ્યો. તો બીજી તરફ વૃદ્ધ દ્વારા ગામના મુસ્લિમ સરપંચને રજૂઆત કરતા મુસ્લિમ સરપંચે પણ ઉપસરપંચની વાત માનવા માટે  દબાણ કર્યું. ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત પાંચ લોકો સામે ન્યાય માટે વૃદ્ધ અને વૃદ્ધા પોલીસના શરણે પહોંચ્યા છે.