Anand Crime News: આણંદના આંકલાવ સ્ટેશન વિસ્તારમાં વીજકરંટ લાગતા વૃદ્ધ પતિ-પત્નિનું ઘટના સ્થળે મોત (husband and wife died on the spot due to electrocution) થયું હતું. પતરાના મકાન પર લોખડની નિસરણી મૂકી ઉપર ચડવા જતા વીજ કરંટ લાગ્યાની ઘટના બની હતી. પતિને વીજ કરંટથી બચાવવા જતા પત્નીને પણ વીજ કરંટ લાગતાં બંનેના ઘટના સ્થળે જ મોત થાયા હતા. બંનેના મોતને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી. આંકલાવ પોલીસ અને વીજ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકનું નામ વિનુભાઈ મોતીભાઈ પઢીયાર (ઉ.વ.65) અને જીબાબેન વિનુભાઈ પઢીયાર (ઉ.વ.63) હોવાનું સામે આવ્યું હતું. 


રાજકોટના લોધિકાના વિરવા ગામે પણ અષાઢી બીજ નિમિત્તે ગામમાં આવેલા બાપા સીતારામના મંદિરે ભવ્ય ઉત્સવ હતો. ગ્રામજનો અને ભાવિકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા. ઉજવણીની શરૂઆત ધ્વજા રોહણથી થવાની હતી. જેથી ગામના યુવાનો મંદિર પર ચડવા માટે જઈ રહ્યા હતા. તેમાંથી આગળ રહેલા ભરતભાઇ કડવાભાઈ ખૂંટ (ઉં. વ.41, રહે. વિરવા ગામ) હોંશભેર મંદિર પર ચડ્યા અને ધ્વજાના દંડ પર ધ્વજા લગાવવા જતા હતા ત્યાં જ તેને જોરદારનો વીજ કરંટ લાગ્યો હતો. મંદિર પરથી પસાર થતા વીજ તારને અડી જતા વીજ કરંટ લાગ્યાની જાણ થતાં તુરંત વીજ સપ્લાય બંધ કરાવી હતી. જોકે ત્યાં સુધીમાં ભરતભાઇએ દમ તોડી દીધો હતો.


થોડા દિવસ પહેલા પાટણના હારિજ તાલુકાના નાણાં ગામે પણ આવી ગોઝારી ઘટના બનવા પામી હતી. વરસતા વરસાદમાં કરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં સાસુને કરંટ લાગતાં તેને બચાવવા માટે વહુ અને દીકરો દોડી આવ્યા હતા. જેમાંથી સાસુ-વહુનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જયારે દીકરો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના હારિજ તાલુકાના નાણાં ગામે ગત મંગળવારે ગાળા વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એકાએક કરંટનો પ્રવાહ ચાલું થતા પરિવારના કેશાબેન મફાજી ઠાકોરને કરંટ લાગ્યો હતો. જેની જાણ પોતાના દીકરાની વહુ સેજલબેન અને દીકરા અલ્કેશજીને થતાં તેઓ બચાવવા માટે દોડી ગયા હતા. જોકે, કરંટના પ્રવાહથી સાસુ કેશાબેન મફાજી તથા સેજલબેન અલ્કેશજીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જ્યારે દીકરા અલ્કેશજીને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.