Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. મહિસાગરના બાલાસિનોર, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે.
મહિસાગર: બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર બે જ કલાકના ગાળામાં પોણા ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા બાલાસિનોરના મુખ્ય રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અવિરત વરસાદના કારણે માર્ગો પર જળભરાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આણંદ: 2.20 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોને સલામત સ્થળે ખસેડાયા
આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આણંદ શહેરમાં 2 કલાકમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાત, બોરસદ, વલ્લભવિદ્યાનગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા, ગોલાણા, વડગામ, મીતલી અને ઝીણજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાતના મોચીવાડ, ટાવર, બાવાબાજીશા અને સાલવા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બેઠક મંદિર પાસે પણ રસ્તા પર ભારે જળભરાવ જોવા મળ્યો હતો. સ્થિતિને ગંભીરતાથી લેતા શાસ્ત્રીનગરી, રાધારી અને આંબાખાડ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
થોડા જ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં મનપાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલી ગઈ છે. ટ્રાફિકની ગતિ ધીમી પડી જતાં જનજીવન પર વ્યાપક અસર પડી છે. જો વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
ખેડા: ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત
ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. માતર પંથકના ભલાડા, પરીએજ, લીંબાસી સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જોકે, આ સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
છોટાઉદેપુર: પાવી જેતપુરમાં 2.83 ઈંચ વરસાદ, હેરણ અને અશ્વિની નદીમાં ઘોડાપૂર
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ સૌથી રૌદ્ર અને ભવ્ય રૂપ બતાવ્યું છે. પાવી જેતપુરમાં 2.83 ઈંચ, ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ અને નસવાડીમાં 2.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદી અને નસવાડીની અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મોટી ડુંગરી ભરેડા કોતરમાં પણ નવા નીરની આવક થઈ છે.
ગુજરાતનો એકમાત્ર રબ્બર ડેમ છલકાયો:
હેરણ નદીમાં પૂર આવવાના કારણે રાજવાસણા સ્થિત ગુજરાતનો એકમાત્ર રાજવાસણા રબ્બર ડેમ છલોછલ ભરાઈને ઓવરફ્લો થયો છે. ડેમ પરથી પ્રચંડ પ્રવાહ સાથે પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. નદી-નાળા છલકાઈ જતાં અને નવા નીરની આવક થતાં સ્થાનિક પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
