Gujarat Rain: અમદાવાદ સહિત ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા વહીવટી તંત્રએ મોડી રાત્રે સાવચેતીના પગલાં ભર્યા છે.
સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો ખેડા તાલુકાના નીચાણવાળા ગામો જેવા કે રસિકપુર, પથાપુર, ધરોડા અને ચિત્રાસર સહિતનાં 15 જેટલાં ગામોમાં પાણી ઘૂસી શકે તેવી શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને ટાળવા માટે વહીવટી તંત્રએ મોડી રાત્રે 22 બસોની મદદથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને હરિયાળા ગુરુકુળ અને ઈમેજ કોલેજ, અસલાલી ખાતે રાખવામાં આવ્યા છે.
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ આ સ્થળાંતરની કામગીરીમાં જોડાયા હતા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ બપોર બાદ નદીનું જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ પર છે.
અમદાવાદમાં 'વ્હાઈટ સિગ્નલ', રિવરફ્રન્ટ કરાયો બંધઉપરવાસના ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદમાં પણ સાવચેતીના ભાગરૂપે ‘વ્હાઈટ સિગ્નલ’ જાહેર કરાયું છે. ધરોઈ ડેમમાંથી 94,240 ક્યુસેક અને સંત સરોવરમાંથી 76,627 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
આ પાણીનો પ્રવાહ બપોર સુધીમાં અમદાવાદ પહોંચશે, જેના કારણે સાબરમતી નદી તોફાની બની શકે છે. સુભાષ બ્રિજ પાસે નદીનું સ્તર 44.09 મીટરથી વધી ગયું છે, જે ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને પાણીનો પ્રવાહ આગળ વધારવામાં આવ્યો છે.
સલામતીના ભાગરૂપે, અમદાવાદના રિવરફ્રન્ટને પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રશાસને લોકોને નદી કિનારે અથવા રિવરફ્રન્ટના વોક-વે પર ન જવાની અપીલ કરી છે. જો પાણીનું સ્તર હજુ વધશે તો શાહપુર રિવરફ્રન્ટથી આગળના ભાગમાં રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવશે. આ એલર્ટની સ્થિતિને પગલે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લામાં પણ તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં ફરી મેઘરાજા મહેર કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અન્યમાં ઓરેન્જ એલર્ટહવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.