આણંદઃ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ એટલે સમાજને તોડવાવાળી શક્તિ પર જીવલેણ હુમલો કરવાની શક્તિ. ગુજરાતમાં ભાજપનો મતલબ છે વિશ્વમાં ગુજરાતીઓને જય જય કાર થયો. ગામે ગામે પાકી સડકો બનાવી, તમે જેટલો સાથ આપ્યો એટલો અમે વિકાસ આપ્યો. પીએમ મોદીએ કહ્યું, હું સીએમ હતો ત્યારે મને વહીવટનો અનુભવ નહોતો, આપણા સીએમને 25 વર્ષના વહીવટનો અનુભવ છે. સરદારના સપનાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઈને સરદારના સપના સાકાર કર્યા. ગુજરાતમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દીધું. કોંગ્રેસ વાળાને પૂછજો ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો ખરા ?
આણંદમાં જન વિશ્વાસ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઇ મોકો છોડતી નથી. કોગ્રેસ ગામોગામ ઘરે ઘરે જઇને ઝેર ભેળવી રહી છે. કોગ્રેસ દરેક વસ્તુઓનો જુદો અર્થ કાઢીને લોકોને ભરમાવી રહી છે. ગુજરાતમાં આજે એમબીએની 12 હજાર બેઠકો છે. આજે ગુજરાતમાં મેડિકલની છ હજાર બેઠકો છે. પ્રોફેશનલ કોર્સ વધવાથી ગુજરાતનો યુવાન દેશનું ગૌરવ વધારી રહ્યો છે. અમે ધરતી પર કામ કરીને બતાવનારા લોકો છીએ. સરદાર સાહેબનું સન્માન આપવાનું કામ ગુજરાતની જનતાએ કરી બતાવ્યું છે.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાબરમતીથી દાંડી સુધી માર્ગ વિકાસવવાનું કામ કર્યું છે. 500 વર્ષથી પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ધજા નહોતી ફરકી રહી. વિરાસતનું સન્માન અને વિકાસનો રસ્તો તેજ ગતિથી આગળ વધ્યો છે. આ વખતે કોગ્રેસ ગામોગામ ગોઠવણ કરી રહ્યા છે. આ કોગ્રેસની નવી ચાલ છે. કોગ્રેસ દરેક ગામમાં ઝેર ભેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
વડાપ્રધાને કહ્યુ કે લોકોનું આરોગ્ય બચાવવાનું કામ ગુજરાતના ખેડૂતોએ ઉપાડ્યું છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, આપણે હાઇ જમ્પ લગાવવાનો છે. ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું જનઆંદોલન ઉભુ કર્યુ છે.
20 વર્ષમાં દૂધના ઉત્પાદનમાં અઢી ગણો વધારો થયો છે. 20 વર્ષમાં અનાજ, ફળ-શાકભાજીના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારો થયો છે. સાબરકાંઠાની શાકભાજી દિલ્હી, આણંદની શાકભાજી મુંબઇ સુધી જાય છે. આઠ વર્ષમાં સરકારે ખેડૂતો, પશુપાલકોનો ડબલ તાકાત આપી છે.