Anand News: આણંદ જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસને ઘણી મહત્વની માહિતી મળી છે. કેસમાં ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે, અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે અને આણંદ એસપી ગમે ત્યારે માહિતી આપી શકે છે. આ પૂરા મામલે એટીએસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એટીએસ સહિત ઉચ્ચ કક્ષાની કમિટી પૂરા મામલે તપાસ કરી રહી છે. કેમેરો કોને લગાવ્યો તે સામે આવ્યા બાદ હવે કેમ લગાવવામાં આવ્યો તે અંગે પણ તપાસ થઈ રહી છે, આ સિવાય પણ તપાસ બાદ અન્ય કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.


આણંદ પોલીસે કેતકી વ્યાસ ,જે ડી પટેલ તેમજ હરીશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર કાંડમાં ગૌતમ ચૌધરીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે કેતકી વ્યાસનો પીએ હતો. ગૌતમ ચૌધરી સરકારી સાક્ષી બનશે અને 164 મુજબ નિવેદન નોંધાવશે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટેટ કોર્ટમાં પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે અરજી કરી છે, પરંતુ આ મુદ્દે કોર્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોર્ટ ગમે તે સમયે સુનાવણી કરી ગૌતમ ચૌધરી ને CRPC 164 મુજબ ના નિવેદન માટે બોલાવી શકે છે.


શું હતો મામલો?


આણંદ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આઈએએસ લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા અહેવાલો બાદ આ મામલાએ એટલી તૂલ પકડી મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.


આણંદ કલેક્ટર ડીએસ ગઢવી મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. તેઓ બીઈ ઈલેક્ટ્રોનિક્સના અભ્યાસ સાથે સરકારી નોકરી માટે જોડાયા. ડીએસ ગઢવીએ અત્યાર સુધી ધોળકામાં ડેપ્યુટી કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા ડીડીઓ તરીકે ખેડા, ડાંગ, સુરત સહિત શહેરમાં કામગીરી કરી છે. આ સિવાય તેમણે અંબાજ મંદિરના વહીવટદાર તરીકે પણ ફરજ બજાવેલી છે. આખરે પ્રમોશન સાથે તેઓ આણંદ જિલ્લા કલેક્ટરનો પદભાર સંભાળી રહ્યા હતા.