આણંદમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, આણંદના કરમસદ નજીકથી 63.85 લાખના MD ડ્રગ્સ સાથે બે ઝડપાયાં હતા. MD ડ્રગ્સની ડિલિવરી આપવા જતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે એમ્ફેટામાઈન ડેરીવેટીવ્સ, મેફેડ્રોન, LSD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આણંદના પરવેજ સૈયદ, વલાસણના મોસીન પઠાણને પોલીસે ઝડપી લીધા હતા. બંન્ને આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

વિધાનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. 63.85 લાખના MD ડ્રગ્સની ડિલિવરી આપવા જતા પોલીસે આ આરોપીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ આરોપી પરવેજ સૈયદ અને મોસીન પઠાણ છે, સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને આરોપી આણંદના રહેવાસી છે અને છૂટક રીતે ડ્રગ્સની હેરાફરી કરતા હોવાનો ખુલાસો થયો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 5.36 ગ્રામ એમફેટામાઈન/મેફેડ્રોન ડ્રગ્સની કિંમત 53,600 રૂપિયા અને 250 મિલીગ્રામ LSD ડ્રગ્સની કિંમત 62.50 લાખ રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 63.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે બે વ્યક્તિઓ ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળ્યા છે. જેના આધારે પોલીસે દાદાજીની વાડી નજીક વોચ ગોઠવી હતી અને બંન્નેને ઝડપ્યા હતા. વિદ્યાનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ કચ્છમાં પણ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, કચ્છમાં ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. BSF ને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના સાત પેકેટ મળી આવ્યા હતા. કચ્છના સરહદીય લખપત તાલુકાના રોડાસર,મેડી નજીકમાં આવેલા દરિયાઈ વિસ્તારમાં પેકેટ મળ્યા હતા. સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. બિનવારસી મળી આવેલા પેકેટના પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવાયું હતું.