Kheda News: ખેડા તાલુકાના મહિજ ગામેથી પસાર થતી મેશ્વો કેનાલમાં નહાવા પડેલા ત્રણ માંથી બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. બંને વિદ્યાર્થીઓ અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસેની રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળે છે. મૃતક વિદ્યાર્થી ધોરણ-10માં ભણતો હોવાનું અને બીજા ધોરણ 11 માં ભણતો હોવાનું જાણવા મળે છે.


હાથીજણ સર્કલ પાસેની રાધેશ્યામ હાઉસિંગમાં રહેતા  પ્રાંજલ કુમાર અજયભાઇ જયસ્વાલ (ઉ.વ.16) શુક્રવારે ધોરણ-10ની રિપિટ પરીક્ષાનું રિઝલ્ટ લેવા ગેરતપુર ખાતે આવેલી નૂતન સ્કૂલમાં ગયો હતો. જ્યાંથી આજ સોસાયટીમાં રહેતો અને મિત્ર મોહિતકુમાર કેદારપ્રસાદ ભગત( ઉ.વ.17) તેમજ સચિન જેસંગભાઇ રાજપૂત(ઉ.વ.15) ત્રણેય મિત્રો બાઇક લઇને મહિજ ગામે મેશ્વો કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. બાઇક અને દફતર કેનાલ પાસે મુકી તેઓ નાની કેનાલમાં પડયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓ મોટી કેનાલમાં ગયા હતા જ્યાં તેઓ ડૂબવા લાગ્યા હતા.


વ્હાલસોયાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ


સચિને બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ તેઓને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ઘડીનો પણ વિલંબ કર્યા વગર કેનાલમાં ઉતરીને બાળકોની શોધખોળ આદરી હતી. સરપંચ અને અન્ય આગેવાનો સ્થળ ઉપર આવ્યા હતા અને કેનાલના અધિકારી પણ દોડી આવ્યા હતા અને આગળ રાસ્કા વિયરમાંથી આવતું પાણી બંધ કરાવ્યું હતું.  કેનાલનું પાણી કાજીપુરા કેનાલ તરફ ડાયવર્ટ કરી તે કેનાલના ગેટ બંધ કર્યા હતા, જેથી બન્નેની બોડી ખારી નદીમાં જતી ના રહે. કેનાલના પાણીનું સ્તર ઓછું થતા અને પ્રવાહ ધીમો પડતા સ્થાનિક અન્ય તરવૈયા પણ કેનાલમાં ઉતર્યા હતા અને પ્રાંજલ તથા મોહિતના મૃતદેહ મળી આવ્યા હતા. જેને પોલીસ કાર્યવાહી દ્વારા ખેડા સિવિલ દવાખાને પી. એમ માટે લવાયા હતા. બે વ્હાલસોયાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. પૂરક પરીક્ષાનું પરિણામ 26.65 ટકા જાહેર થયું હતુ. પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ નંધાયા હતા. જેમાંથી 153394 પરીક્ષાર્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું. ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો હતો 20 પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર  મેળવવાને પાત્ર પરીક્ષાર્થીની સંખ્યા 147 છે. વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09 ટકા, વિદ્યાર્થીનીઓનું પ્રમાણ 28.88 ટકા હતું.