Khyati Hospital Scam:ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ફરાર રાજશ્રી કોઠારીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. અગાઉ આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી. અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.
કાર્તિક પટેલ સિવાયના તમામ આરોપી ઝડપાઈ ચુક્યા છે. હજુ કાર્તિક પટેલની ધરપકડ હજુ પણ બાકી છે. અગાઉ ડો.સંજય પટોળીયા,ચિરાગ રાજપૂત સહિત સાત આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
ખ્યાતિ હોસ્પિટલ સ્કેમમાં પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરીછે. ઉલ્લેખનિય છે કે હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાંથી બેના મૃત્યુ નીપજ્યાં હતાં. 2 દર્દીના મોત બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. માત્ર આર્થિક ફાયદા માટે દર્દીને 40 ટકા બ્લોકેજ હોય તેને 80 ટકા રિપોર્ટમાં દર્શાવીને બાયપાસ માટે પ્રેશર કરવામાં આવતું હોવાની હકીકતો સામે આવી છે.
નોધનિય છે કે, વસ્ત્રાપુર પોલીસ મથકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડૉ. પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપુત, કાર્તિક પટેલ, ડો.સંજય પટોલીયા અને રાજશ્રી કોઠારી સામે ફરિયાદ નોંધી હતી. આજે આ મામલે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત કેસોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે, આ કેસમાં હજુ કાર્તિક પટેલે પોલીસ પકડની બહાર છે. તેણે પોતાના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર સોમવારે વધુ સુનાવણી છે.