Bengaluru Airport: આ ઘટના સોમવારે સવારે 5.45 કલાકે બેંગ્લોરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. આ સમયે ગો ફર્સ્ટ ફ્લાઈટ G8 116 મુસાફરોને બેંગલુરુથી દિલ્હી લઈ જવાની હતી.


Kempegowda International Airport:


બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે કંઈક એવું બન્યું, જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્રૂ મેમ્બર્સ વચ્ચે ગેરસમજ થઈ હતી અને તેના કારણે ફ્લાઈટ 54 મુસાફરોને છોડીને દિલ્હી જવા રવાના થઈ હતી. જે સમયે ફ્લાઈટ ટેકઓફ થઈ તે સમયે બસમાં 54 મુસાફરો ફસાયા હતા. જોકે, એરલાઈને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને તમામ મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલી દીધા.


શું હતી આ સમગ્ર ઘટના જોઈએ વિગતવાર, TOIના રિપોર્ટ મુજબ, આ ઘટના સોમવારે સવારે 5.45 વાગ્યે બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. આ સમયે ગો ફર્સ્ટ ફ્લાઈટ G8 116 મુસાફરોને બેંગલુરુથી દિલ્હી લઈ જવાની હતી. મુસાફરોને ટર્મિનલ પર ફ્લાઇટમાં લઈ જવા માટે કુલ ચાર બસો ભાડે રાખવામાં આવી હતી.


ફસાયેલા મુસાફરોને નવા બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા:


સુમિત કુમાર નામના મુસાફરે જણાવ્યું કે, અમે ત્રીજી બસમાં હતા અને અન્ય ત્રણ બસ મુસાફરોને ફ્લાઇટ સુધી લઇ ગઇ હતી અને ચોથી બસમાં પાંચ મુસાફરો હતા. સુમિતે કહ્યું, "મારી સાથે મુસાફરી કરી રહેલો મારો મિત્ર પ્લેનમાં ચડ્યો અને મને ફોન કરીને કહ્યું કે પ્લેન ટેક ઓફ થવાનું છે. મેં ગ્રાઉન્ડ સ્ટાફને જાણ કરી કે પ્લેન અમારા વગર ટેકઓફ કરી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફે ના પાડી. તેના વિશે ખબર નથી."


એરપોર્ટ અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. એરપોર્ટ સ્ટાફે તમામ 54 ફસાયેલા મુસાફરોને પ્રસ્થાન વિસ્તારની બહાર લઈ ગયા અને તેમને બીજી ફ્લાઈટમાં દિલ્હી મોકલવા માટે નવા બોર્ડિંગ પાસ ફરીથી જારી કર્યા.


GoFirstના ગ્રાઉન્ડ સ્ટાફે શું કહ્યું?


ગો ફર્સ્ટ ગ્રાઉન્ડના એક કર્મચારીએ TOIને જણાવ્યું કે, "તમામ 54 મુસાફરોને ફરીથી પ્રી-ડિપાર્ચર સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડ્યું હતું અને સોમવારે સવારે 10 વાગ્યે ફ્લાઇટમાં બેસવા માટે તેમને બેસાડવામાં આવ્યા હતા." આ ફ્લાઈટ લગભગ 2 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી અને અહીંથી પેસેન્જર્સ તેમની પહેલી ફ્લાઈટમાંથી તેમનો સામાન લઈ ગયા.