ભાવનગર: કોળીયાકમાં જીવન અને મરણ વચ્ચે જજુમી રહેલા 29 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધસમસતા પાણી વચ્ચે આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અંગે વિગતે વાત કરીએ તો, કોળિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન માટે દક્ષિણ ભારત તામિલનાડુમાંથી એક ખાનગી બસ લઈને 29 યાત્રિકો ખાસ દર્શન કરવા માટે આવ્યા હતા.ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી અવિરત વરસાદને લઈને ઘોઘા વિસ્તારમાં 5 ઇંચ થી વધારે વરસાદ વરસી જતા ઘોઘાની માલેશ્રી નદીમાં ભારે ઘોડાપુર આવતા દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રાળુઓની બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે આ બસ ફસાઈ હતી. 8 કલાકના રેસ્ક્યુ બાદ તમામ લોકોને સહી સલામત જીવિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. દિલ ધડક રેસ્ક્યુ માટે સ્થાનિક ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
નોંધનિય છે કે, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ નિષ્કલંક મહાદેવના મંદિર પર સમુદ્ર સ્નાન માટે અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુ આવતા હોય છે. આ જ પ્રકારે તમિલનાડુમાંથી એક યાત્રાળુઓની બસ આવી હતી અને આ બસ દર્શન કરીને પરત પસાર થઈ રહી હતી એ સમયે નિષ્કલંક મહાદેવના મંદિર નજીક પાણીના પુલ વચ્ચે ફસાઈ હતી. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બનાવના પગલે ભાવનગર જિલ્લાના તંત્ર દ્વારા તેમજ બહારથી મદદ માટે આવેલ એનડીઆરએફ ટીમ અને સ્થાનિક લોકોની મદદના કારણે યાત્રાની બસના તમામ શ્રદ્ધાળુઓને આઠ કલાકના રેસક્યુ બાદ 27 યાત્રાળુ અને ડ્રાઇવર ક્લિનર સહિત 29 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જોકે સારી વાત એ રહી કે આ ઘટનામાં એક પણ જાનહાનિ થઈ નથી.
નિષ્કલંક મહાદેવના દર્શન કરીને યાત્રાળુઓની બસ સાંજના સાડા છ વાગ્યા બાજુ પસાર થઈ રહી હતી. એ સમયે આ દુર્ઘટના બની હતી. બસ પાણીમાં ફસાતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક તંત્રને ગામના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને લઇને તાત્કાલિક ધોરણે ઘોઘાના મામલતદાર અને વહીવટી તંત્ર પોલીસ વિભાગ સહિત મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બે કાબૂક થતા ભાવનગર કલેકટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્યમાં જોડાયા હતા અને ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ અને સ્થાનિક લોકો તરવિયા સહિત મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો.
એક ટ્રક દ્વારા બસની નજીક ટ્રકને પહોંચાડી સલામત રીતે 29 લોકોને બસનો કાચ તોડીને રેસ્ક્યુ કરીને તમામ લોકોને ટ્રકમાં લઈ લેવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે ટ્રક પણ આ પાણીના પ્રવાહમાં અટવાઈ જતા ભારે મુશ્કેલી સર્જાણી હતી. આખરે 29 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, સૌથી મોટી કરુણતાની વાત એ છે કે રાજ્ય સરકાર ભલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવાની વાત કરતી હોય, પરંતુ આ રેસ્ક્યુની અંદર 8 કલાક વિતી ગયા હોવા છતાં સ્થળ પર લાઈટ કે કોઈ સાધનો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કોઈ પણ પ્રકારની આ લોકોને બચાવવા માટે વ્યવસ્થા નોહતી, મદદમાં આવેલ લોકોએ ના છૂટકે અંધારામાં રેસ્ક્યુ કરવું પડી રહ્યું હતુ અને આખરે કાર લઈને આવેલા લોકોની કારની લાઇટો રાખીને રેસ્ક્યુ શરૂ રાખવું પડ્યું હતું.
આ પણ વાંચો...