ભાવનગર: શિક્ષણ જગતને દાગ લગાડતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને ખાનગી વિદ્યાપીઠમાં 21 લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે સાત આરોપીઓની ધરપકડ કરી છે.વિદ્યાના મંદિરમાં મહેફિલ સાથે જુગારધામ ચાલી રહ્યું હતું જેનું કમિશન ખુદ ખાનગી શાળાનો માલિક ઉઘરાવતો હતો. પકડાયેલા જુગારીઓ ભાવનગરનાં મોટા માથાઓ હોવાનું સામે આવ્યું છે જેણે શિક્ષણ જગતને કાળો ડાઘ બેસાડ્યો છે.


સામાન્ય રીતે ભાવનગરમાં કોઈ ખુલ્લી જગ્યામાં કે મકાનમાંથી જુગાર પકડાતો હોય છે એ હવે ભાવનગર જિલ્લાની સામાન્ય વાત રહી ગઈ છે પરંતુ જે જુગાર ધામ બહાર આવ્યું છે તેમાં તળાજા નેશનલ હાઈવે પર આવેલી એક ખાનગી વિદ્યાપીઠમાં તેનો માલિક પોતાના આર્થિક લાભ માટે જુગારીઓને બોલાવીને જુગાર રમાડીને કમિશન મેળવતો હતો. જે બાતમીના આધારે તળાજા પોલીસે રાત્રિના સમયે રેડ કરીને કુલ સાત જુગારીઓની ધરપકડ કરી છે.




પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ પોલીસે જુગાર ધારાની કલમ ચાર અને પાંચ મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી વિદ્યાપીઠનો માલિક દલપત કાતરીયા ભાવનગરથી મોટા માથા અને વેપારીઓને પોતાની શાળામાં જ જુગાર રમાડવા માટે બોલાવતો હતો. જે શાળામાં શિક્ષણ અને વિદ્યાના પાઠ ભણાવવામાં આવતા હોય તે જ શાળામાં જુગારનો અખાડો બનાવી દેનાર શકુનિઓની વિરુદ્ધ કડક કાર્યવાહી તળાજા પોલીસે કરી છે.


અમરેલીમાં બીજેપી નેતા શ્રાવણીયો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ


જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે. અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોડી રાતે વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ દેવજી પડસાળા સહિત 6 જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. આ ઉપરાંત 2 ઈસમો પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા.




જાફરાબાદ તાલુકાના ભાજપ અગ્રણી અને જીલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચ્યો છે.  કાર, બાઇક મળી રૂ.5,20,430નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ જુગાર રમતા ઝડપી પાડી જુગાર ધારા હેઠળ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે. 




તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં શ્રાવણ મહિનામાં જુગાર રમવાના બનાવો આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે. જન્માષ્ટમીના તહેવારો પર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં જુગાર રમે છે. આ મામલે પોલીસે ઘણીવાર કામગીરી કરી જુગારીઓને ઝડપી પણ પાડ્યા છે.