ભાવનગર:  મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. મહુવાના નગરજનો વર્ષોથી નવી સરકારી હોસ્પિટલ માટે જંખી રહ્યા છે.  80 વર્ષ જૂની હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પર અવારનવાર છતમાંથી પોપડા પડી રહ્યા છે. સ્ટ્રકચર એટલું નબળું પડી ગયું છે કે માત્ર હાથ અડાડતા જ પોપડ ખરી રહ્યા છે. જો વહેલીતકે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા હોસ્પિટલ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટનાનો હોસ્પિટલ ભોગ બનશે તે નક્કી છે.




મહુવા તાલુકાની નબળી નેતાગીરીના કારણે લોકોને હોસ્પિટલની પ્રાથમિક સુવિધા પણ જીવના જોખમ હેઠળ લેવા માટે મજબૂર બન્યા છે. સરકાર આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ મહુવા તાલુકામાં વર્ષોથી ભાજપના શાસનમાં નવી સરકારી હોસ્પિટલની સુવિધા પણ જનતાને મળી શકી નથી. જોકે આ બાબતે ભાજપના ધારાસભ્ય કે જિલ્લા પ્રમુખ આ બાબતે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. હોસ્પિટલ ચારે બાજુથી તૂટી ચૂકી છે. હોસ્પિટલના સળિયા પણ બહાર આવી ગયા છે. આમ છતાં પણ રાજકીય નેતા અને સરકારી વિભાગ દ્વારા ગંભીર લાપરવાહી દાખવામાં આવી રહી છે જેનું પરિણામ ગંભીર આવી શકે છે.




મહુવા તાલુકાનું એકમાત્ર આ સરકારી મોતીબાઈ કેશવજી જનરલ હોસ્પિટલ આવેલું છે કે જ્યાં સામાન્ય વર્ગના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં દરરોજ 500 થી વધુ દર્દીઓ આવતા હોય છે પરંતુ હોસ્પિટલની સ્થિતિ એટલી ભયંકર બની ગઈ છે કે એક અઠવાડિયા પહેલા જ હોસ્પિટલ પરિસરના ગ્રાઉન્ડમાં આવેલ રસોડા વિભાગનું જૂનું નળિયાવાળું મકાન જે કાર્યરત હતું તે અચાનક જ તૂટી ગયું હતું. 




આવી જ સ્થિતિ હોસ્પિટલની ફરતે જોવા મળી રહી છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વરદ હસ્તે 1955માં કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં અનેક જગ્યાએ જર્જરીત ઇમારતો, બિલ્ડીંગો ધરાસાઈ થઈ છે. હાલ આ હોસ્પિટલ પણ બીમારીના ઝપટમાં આવી ગઈ છે. જોકે મહુવા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખનો દાવો છે કે ભૂતકાળમાં રહેલા ધારાસભ્ય દ્વારા નવા હોસ્પિટલ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી લીધી છે પરંતુ હજી સુધી કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી તે નરી વાસ્તવિકતા છે.