ભાવનગર: જાણીતી સંસ્થા અંધ ઉદ્યોગ શાળા ચર્ચામાં આવી છે. સંસ્થામાં અભ્યાસ કરતા 13 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને ઢોર માર મારતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થી પર ખોટો ચોરીનો આક્ષેપ નાખવામાં આવ્યો હતો અને અન્ય વિદ્યાર્થી દ્વારા બેલ્ટ અને પાઇપ વડે માર મારતા પુરા શરીર પર લાલ ચામઠા પડી ગયા છે. હાલ બંને આંખે અંધ બાળક હોસ્પિટલમાં કણસી રહ્યું છે. ઘટનાને 20 કલાક વીતવા છતાં FIR નોંધાઈ નથી.
13 વર્ષીય વિદ્યાર્થીની હાલત નાજુક બની
ભાવનગર શહેરમાં આવેલી નામી સેવાકીય સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં અનેક અંધ બાળકો અને વિકલાંગ બાળકો અભ્યાસ કરે છે. જેનું સંચાલન અને અંધ ઉધોગ સંકુલનાં ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. જેમાં ગઈકાલે એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને એમના જ ક્લાસરૂમ ના વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થતા અન્ય વિદ્યાર્થી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઇને 13 વર્ષીય વિદ્યાર્થીની હાલત નાજુક બની છે. ગઈકાલ ૯ થી ૧૨ દરમિયાન આ બનાવ બન્યો હતો. જેમાં બે વિદ્યાર્થીઓ દ્વારા ભાવેશ દાબાણીને શર્ટ કાઢીને માર માર્યો હતો. હાલ આ વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થી અત્યંત ડરી ગયો છે જેની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
હજી સુધી કાગળ પર એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી
વિદ્યાર્થીનું પરિવાર મૂળ સિહોર તાલુકાનું છે બનાવ અંગે સંચાલકો દ્વારા જાણ કરાતા તેઓ ભાવનગર અંધ ઉદ્યોગ શાળા ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો સંસ્થા ઉપર કરવામાં આવ્યા છે કે માર મારિયાના ત્રણ કલાક બાદ પણ શાળા સંચાલકો કે ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ન હતો. જેના કારણે વિદ્યાર્થીની હાલત વધુ નાજુક બની છે અને હાલ પરિવાર દ્વારા સમગ્ર બનાવને લઈ અંધ ઉદ્યોગ શાળાના ટ્રસ્ટી અને જવાબદાર વ્યક્તિ સામે પગલા ભરવા માટે માંગ કરી રહ્યા છે. જોકે ભાવનગર એ.ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈ હજી સુધી કાગળ પર એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇ પરિવાર વધુ આક્રોશે ભરાયો છે.
આ ઘટનામાં શાળાના સંચાલક કે અન્ય કોઈ જવાબદાર નથી
જ્યારે બનાવ અંગે અંધ ઉદ્યોગ શાળાના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના રવિવારે ઘટી હોવાથી શાળા સંકુલમાં રજા હોવાથી થોડી મોડી જાણ થઈ હતી. બાદ બનાવ અંગે અમને જાણ થતા તુરંત જ શાળા ખાતે દોડી આવ્યા હતા અને એમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં શાળાના સંચાલક કે અન્ય કોઈ જવાબદાર નથી. આ માત્ર વિદ્યાર્થીઓ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો જેને લઈ આ 13 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. જોકે હાલ બંને પક્ષે મધ્યસ્થી કરીને સમાધાન કરવાની વાત ચાલી રહી છે પરંતુ જે ઘટના બની તે અત્યંત દુઃખદ ઘટના છે અને ફરી એક વખત આવી ઘટના ન બને તે માટે સંસ્થા દ્વારા કડક કાર્યવાહી કરવી પણ અત્યંત જરૂરી બને છે.