BHAVNAGAR : ભાવનગરજિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક શાળામાં સગીર વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થીની સ્થિતિ નાજુક બની છે.  શનિવારે સામાજિક વિજ્ઞાનના  પેપર દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં જયપાલ નામના વિદ્યાર્થીને શિક્ષકે ઢીકા-પાટું વડે મારતા બાળક રડતો રડતો ઘરે પહોંચ્યો હતો અને માતા પિતાને આ અંગે ફરિયાદ કરતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  


ભોગ બનનાર બાળકના માતા-પિતાએ  આજે ન્યાય માટે ભાવનગરના ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શિક્ષક પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.  ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા ગ્રામજનોમાં  શિક્ષક પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.


ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા જયપાલ શિયાળ નામના વિદ્યાર્થીને શાળામાં ફરજ બજાવતા મગનભાઈ નામના શિક્ષકે શાળાની અંદર જ ઢીંકા-પાટુ વડે  ઢોર માર માર્યો હતો બાદ જયપાલ રડતો રડતો ઘરે પહોંચ્યો અને સમગ્ર બાબતે તેમના માતા-પિતાને આ અંગે જણાવતા તેમના માતા-પિતા શાળાએ પહોંચ્યા હતા. જ્યાં શાળાના શિક્ષકે અને આચાર્યએ આ વાતનો ઇનકાર કરી બચાવ કર્યો હતો પરંતુ સવાલ એ છે કે શું સરકારી શાળાના આચાર્યએ નિયમોને નેવે મૂકી શા માટે વિદ્યાર્થીને મારવો જોઈએ? 


શિક્ષક દ્વારા વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાની ઘટનાને આજે 28 એપ્રિલે પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં ન તો શિક્ષક ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી કે ન તો ગરીબ પરિવારના માતા-પિતાની અરજીકોઈ સાંભળી, જેથી આજે વિદ્યાર્થીને લઈ તેમના માતા-પિતા ભાવનગર ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.


સમગ્ર મામલે નીચા કોટડા પ્રાથમિક શાળાના સરકારી આચાર્યને આ અંગે જાણકારી મેળવતા તેમને ઘટનાને નકારી હતી અને જણાવ્યું હતું કે શિક્ષકે તેમને ઢોરમાર માર્યો જ નથી, જયપાલ શિયાળ નામનો વિદ્યાર્થી ધોરણ-8 માં સામાજિક વિજ્ઞાનનું પેપર આપી રહ્યો હતો એ દરમિયાન શાળાના શિક્ષક મગનભાઈ ક્લાસમાં નિરીક્ષણ માટે પહોંચતા સગીર વિદ્યાર્થી ફ્રી બેઠો હતો એટલા માટે તેમને માત્ર ઠપકો આપ્યો હતો.


જોકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ ફોન ઉપાડવા માટે પણ તસ્દી લીધી ન હતી, ત્યારે જયપાલ શિયાળના માતા-પિતા બનાવ બનતા દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારબાદ શિક્ષક પર કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર ડીએસપી કચેરીએ લેખિતમાં રજૂઆત આપેલ છે, ત્યારે જોવાનું રહ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગેની યોગ્ય તપાસ કરી હકીકત જાણી શિક્ષક પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં.


 


Education Loan Information:

Calculate Education Loan EMI