Bhavnagar : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર શહેરમાં આંગણવાડીની સ્થિતિ દયનીય બની છે. ભાવનગર શહેરની આંગવાડીના પરિસરમાં દેશી દારૂની કોથળીઓ મળી આવી છે. સૌથી મોટી વાત એ છે કે ઘોઘાસર્કલ વિસ્તારની જે આંગણવાડીમાંથી દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે તેની દીવાલને અડીને જ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
પોલીસ સ્ટેશનની પાસેની આંગણવાડીમાં સરેઆમ પીવાય છે દારૂ
ભાવનગર શહેરમાં આવેલ આંગણવાડીના પરિસરમાં જ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો જમાવ્યો છે જેના કારણે સીધી જ અસર બાળકના ભણતર ઉપર થઈ રહી છે, જોકે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આંગણવાડી અને બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની દીવાલ બને અડીને આવેલી છે તેમ છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર માથાભારે શખ્સોએ આંગણવાડીમાં દારૂ પીને પોટલીઓ ફેંકી રહ્યા છે, આંગણવાડીની દિવાલ પડખે જ અસામાજિક તત્વો દારૂની પોટલીઓ નાખી રહ્યા હોવાથી બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે.
બાળકોના ભવિષ્ય પર પડી રહી છે ગંભીર અસર
છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડીના પરિસરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, છતાં પણ સ્થાનિક પ્રશાસન એકદમ મૌન સેવી રહ્યું છે જોકે આંગણવાડીની સ્થિતિ અને તેમની તમામ જવાબદારી મહાનગરપાલિકાના ICDS વિભાગમાં આવતી હોય છે, પરંતુ અધિકારીને માત્ર ઓફિસમાં બેસીને પગાર ખાવાની ટેવ પડી ગઈ હોય તે રીતે માત્ર તમાશો જોયા રાખે છે. બાળ=કો ના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે. વાલીઓ પણ આ અંગેની રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
ખુલ્લી ગટર પાસે આંગણવાડીમાં ભણે છે બાળકો
ભાવનગર શહેરમાં 304 આંગણવાડીઓ કાર્યરત છે જેમાંથી અનેક આંગણવાડીઓમાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જ્યારે અન્ય આંગણવાડી આવેલી છે કે જ્યાં બાળકો ખુલ્લી ગટર પાસે બેસીને અભ્યાસ કરી રહ્યા છે જોકે વિસ્તારના વાલીઓ બાળકોને નાછૂટકે આંગણવાડીમાં બેસાડવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરની સૌથી મોટી ખુલ્લી ગટર ‘કંસારા’ના કાંઠે આવેલી આંગણવાડીમાં બે મિનિટ ઉભા પણ નથી રહેવાતું એવી સ્થિતિમાં બાળકોને બે-ત્રણ કલાક રાખવામાં આવે છે. ખુલ્લી ગટરના કારણે બાળકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે. આ આંગણવાડીમાં ૩૫થી વધુ બાળકો આવે છે જોકે સ્થિતિ એટલી ખરાબ છે કે ખુલ્લી ગટર પાસે જ નાના ભૂલકાઓ બેસીને અભ્યાસ કરી રહ્યા છે.
ICDSએ પોલીસને આપી ‘ખો’
આ અંગે ભાવનગરના પોલીસ અધિકારીએ નિવેદન માટે ઇનકાર કર્યો હતો, તો ICDSઅધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે માટે પોલીસે જવાબદારીપૂર્વક કાયદાકીય પગલાં લેવા જોઈએ. આંગણવાડીની સ્થિતિને લઈને ફરી એક વખત ભાવનગર શહેરમાં શિક્ષણ નીતિ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પગલા લેવામાં આવે છે કે આવી જ રીતે ચાલ્યાં કરશે?