Bhavnagar : ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ ઉપર એકજ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારી થતા એક યુવાનની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.
બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં 27 વર્ષના યુવાનની હત્યા થઇ છે. આ મૃતક યુવાકનું નામ રુસ્તમ કુરેશી હોવાનું જાણવા મળેલ છે. મારામારીની આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મહુવામાં પિતાએ પુત્રીને ગળેફાંસો આપી પોતે પણ આત્મહત્યા કરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રતનપર નવાગામ ખાતે બન્યો છે. અહીં બે વર્ષની દીકરીને ગળેફાંસો આપી પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. શૈલેષભાઈ બાંભણિયા નામના પિતાએ પોતાની બે વર્ષની દીકરી નિશાને ઝાડ સાથે લટકાવી, ગળેફાંસો આપી પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો છે.
આ ઘટનામાં મૃતક શૈલેષભાઈ નામના પતિ વિરુદ્ધ તેમના પત્નીએ તેમની દીકરીની હત્યા કરી અંગેનો 302 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હાલ તજવીજ હાથ ધરાઈ છે.
ભાવનગરમાં સગીરાએ કરી આત્મહત્યા
ભાવનગર શહેરમાં રહેતી સગીર વયની દીકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. તમન્ના અંજાર નામની સગીરા ધોરણ-9માં અભ્યાસ કરી રહી હતી, બોરતળાવ આંબેડકર નગર પાસેના વિસ્તારમાં રહેતી હતી. આ સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સગીરાએ પોતાના હાથમાં બ્લેડ વડે ચેકા પાડી MY LIFE MY RULES હાથમાં લખ્યું હતું. હાલ બનાવવા અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જો કે ધોરણ-9ની વિદ્યાર્થીનીએ કરેલ આ આત્મહત્યા અંગે અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. સમગ્ર બનાવને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે