ભાવનગર:  મહુવા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.  ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. જે બાદ કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ભડથું થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય


સુરતમાં શિક્ષક પર સૃષ્ટી વિરુદ્ધના કૃત્યના આરોપ લાગતા ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં 8 વર્ષ વિદ્યાર્થી પર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો હતો. ટ્યુશનના શિક્ષક વિરુદ્ધ માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડીંડોલી પોલીસે ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી હતી. માહિતી પ્રમાણે વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી પણ માતા પિતા નોકરી કરતા હોવાથી બાળકને ટ્યુશન મોકલતા હતા.


સુરતના નવાગામ વિસ્તારમાં ગણેશ આહિરે નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગણેશ આહિરે પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 5 જાન્યુઆરીના રોજ બાળક જ્યારે ટ્યુશન ક્લાસમાં ગયો હતો ત્યારે શિક્ષક ગણેશ આહિરે 8 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. શિક્ષકની આવી હરકતને લઈને બાળકે ટ્યુશન ક્લાસથી ઘરે પરત જઈને આ સમગ્ર મામલે તેના પરિવારના સભ્યોને માહિતી આપી હતી.

પરિવારના સભ્યો બાળકની આ વાતથી ચોંકી ગયા હતા અને સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી માંગણીને લઈને બાળકના પરિવારના સભ્યો ડીંડોલી પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિવારના સભ્યોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી. તેથી સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટ્યુશન ક્લાસિસના શિક્ષક ગણેશ આહિરેની ધરપકડ કરી છે.


જામનગરમાં ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્ની અને બાળકીની કરી હત્યા


જામનગરમાં ડબલ મર્ડરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જામનગર લાલપુર બાયપાસ નજીક મોરકંડા ધાર પાસેથી માતા પુત્રીની ગતરાત્રીના રોજ લાશ મળી આવી હતી. યુવકે પત્ની અને દીકરીની સવારે હત્યા કરીને સાંજે રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં હાજર થયો હતો.પતિની શંકાને કારણે પત્ની રીસામણે હતી. પત્ની પર શંકા રાખનાર પતિ તારીક લાડકાએ પત્ની શબાના અને 1 વર્ષની પુત્રી રૂબીનાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યારા પતિ સામે સાસુએ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે