Bhavnagar News: ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઝેરીલો લઠ્ઠો પીવાથી 61 લોકોની તબિયત લથડી છે, જેમાંથી 25 દર્દીઓ હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 4 ની હાલત અત્યંત ગંભીર છે, 5 દર્દીઓ ICU માં છે અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. 21 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ 15 દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે, આ 10 દર્દીઓની સામે નવા 5 દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે, જ્યારે 18 વ્યક્તિઓ તબીબી સલાહ મેળવીને ઘરે પરત ફર્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

બીજી તરફ, દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે આવેલા સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. નીલમબાગ પોલીસે 18 તારીખે આ મામલે ગુનો દાખલ કરીને ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની 35 બોટલ જપ્ત કરી છે. આ ડુપ્લીકેટ વિદેશી દારૂના કૌભાંડમાં નીલમબાગ પોલીસે સંજય ચાવડા અને ગૌતમ સોલંકી નામના બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો... ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર અને પ્રશાસન હરકતમાં આવી ગયું છે. આ ચર્ચાસ્પદ ઘટનામાં તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

પોલીસ વિભાગમાં મોટું સસ્પેન્શન

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વરતેજ પીઆઈ બાદ હવે LCB પીઆઈ સામે પણ પગલાં ભરાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ

બીજી તરફ, લઠ્ઠાકાંડના આરોપીઓને સાથે રાખીને પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય માગણી કરવામાં આવશે. પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં લઠ્ઠાકાંડ સંબંધિત અન્ય અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસોભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને પોલીસ દ્વારા આખરે લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. SMCના એસપી મયુર ચાવડાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના રિપોર્ટ અને FSL તપાસમાં દર્દીઓના સેમ્પલમાં મિથેનોલની હાજરી મળી આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે મિથેનોલની મિલાવટવાળા ઝેરી દારૂના કારણે જ આ મોટી હોનારત સર્જાઈ છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના ખરકડીમાં જ બનતો હતો લઠ્ઠો, MPથી આવતું હતું રો-મટીરિયલ

SMCની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, ઝેરી લઠ્ઠાનું ઉત્પાદન ભાવનગરના ખરકડી ગામમાં જ કરવામાં આવતું હતું. મુખ્ય આરોપી રઈશ અને તેના મળતિયાઓ છેલ્લા 2 મહિનાથી આ મિલાવટી લઠ્ઠાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ દારૂ બનાવવાનું રો-મટીરિયલ મધ્યપ્રદેશથી લાવવામાં આવતું હતું. દારૂકાંડ સામે આવ્યા બાદ માફિયાઓએ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.