ભાવનગરઃ બોટાદના તપોધન બ્રાહ્મણ પરિવારમાં એક માસના ટૂંકા સમયમાં જ ઘરના ચાર-ચાર લોકોનાં કોરોનાના કારણે મોત થતાં ઘરમાં બે યુવાન વિધવા જ રહી ગઈ છે કે જેમના માછે પોતાનાં ત્રણ સંતાનોની જવાબજારી આવી ગઈ છે. ઘરના મોભી-વડીલની સાથે પરિવારના આધારસ્તંભ એવા બે ભાઈ અને માતા પણ ગુજરી જતાં બંને દીકરાની પત્નિઓ અને તેમનાં સંતાનો સાવ નોંધારાં થઈ ગયાં છે.
બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા મૂળ ઉમરાળાના નિવાસી ભરતભાઈ ઓધવજીભાઈ જોષીનાં પત્નિ અને બે દીકરા મળીને કુલ ત્રણ સભ્યો એપ્રિલમાં કોરોનાના ભરડામાં સપડાઈ ગયા હતા. આ પૈકી ભરતભાઈના નાના પુત્ર હિતેષભાઈ (ઉ.વ. 32)નું 15 એપ્રિલના રોજ મોત થયું હતું. નાના દિકરાની અણઘારી વિદાયથી શોકમગ્ન પરિવારજનોની પર બીજા દિવસે ફરી આભ તૂટ્યું અને 16 એપ્રિલે મોટા પુત્ર ચેતનભાઈ (ઉ.વ. 37)નું પણ બોટાદ ખાતે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 24કલાકમાં જ બે-બે પુત્રના મૃત્યુથી માતા આશાબેન જોષી (ઉ.વ.58) આઘાતમાં સરી પડયા હતા અને બે દિવસ પછી તેમનું પણ નિધન થયું.
દરમિયાનમા પરિવારનાં લોકોની સારવારમાં વ્યસ્ત ભરતભાઈ જોષી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પણ તેમની સ્થિતિ ગંભીર થતાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યાના છ દિવસમાં જ કોરોનાએ ફરી ઉથલો મારતાં તેમને સિંધુનગર સ્થિત માધવ કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ 13 મેના રોજ વૃધ્ધ ભરતભાઈ જોષીનો પણ કોરોનાની બિમારીએ જીવનદીપ બૂંઝાવી નાંખ્યો હતો.
એક જ માસમાં માતા-પિતા અને બે પુત્રને કોરોનાએ છિનવી લેતાં હવે ઘરમાં બે વિધવા વહુ રહી છે કે જેમના ઉપર ત્રણ માસૂમ સંતાનોની જવાબદારી આવી પડી છે. કોરોનાથી મોતને ભેટનાર હિતેશભાઈને માત્ર ત્રણ વર્ષની માસૂમ દીકરી છે, તો ચેતનભાઈને 11 વર્ષનો અને પાંચ વર્ષનો એમ બે દિકરા છે.