Bhavnagar: ભાવનગરનો કાળુભાર ડેમ ઓવર ફ્લો થતાં ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરકારી વિભાગ દ્વારા ભાવનગરના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલભીપુર તાલુકાનું એક ગામ અને ઉમરાળા તાલુકાના આઠ ગામને સાવચેત રહેવા જણાવાયું છે. વલભીપુરના રાજસ્થળી જ્યારે ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


ગોહિલવાડમાં એક અઠવાડિયા સુધી અનરાધાર વરસેલી મેઘરાજાની હેતના કારણે જિલ્લામાં સરેરાશ સાત ઈંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચોમાસાના આરંભે જ સાર્વત્રિક મેઘમહેર વરસી જતાં જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. જેના કારણે આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે તેવી ખેડૂતોએ આશા બાંધી છે જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી ઉનાળામાં પાણીનો પ્રશ્ન નહીં રહે તેવું લાગી રહ્યું છે.




છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના પગલે તમામ ડેમમાં હાલ પાણીની આવક શરૂ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી 25 ફૂટને પાર કરી ગઈ છે પરંતુ હાલ પાણીની આવક ઘટી ગઈ છે અને ધીમીધારે પાણીની આવક શરૂ છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના 8 ડેમમાં ઝરમરથી લઈ અઢી ઇંચ વરસાદ પડયો છે. 




જુનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં બે દિવસ સારો વરસાદ પડયો હતો અને આ વિસ્તારનુ વરસાદી પાણી ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવેલ છે. ધારી ખોડીયાર ડેમ શનિવારે સાંજે છલકાઈ ગયો હતો તેથી આ ડેમનુ પાણી છોડવામાં આવ્યુ હતું. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવતા રવિવારે મોડીરાત્રથી ધસમસતી પાણીની આવક શરૂ હતી. હાલ પાણીની આવક ઘટી ગઈ છે તેથી પાણીની સપાટીમાં ધીમો વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ફરી ઉપરવાસમાં વરસાદ પડશે તો શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધશે. ચોમાસા પૂર્વે શેત્રુંજી ડેમમાં 15.10 ફૂટ પાણી હતુ પરંતુ છેલ્લા થોડા દિવસથી ઉપરવાસમાં સારો વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં 10 ફૂટથી વધુ પાણીની આવક થઈ છે તેથી ભાવનગર જિલ્લાના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી 34 ફૂટે ઓવરફલો થશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial