Bhavnagar News: ભાવનગર શહેરમાં પૈસાની લેવડદેવડ મામલે એક યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે, ઉછીના પૈસાની માંગણી કરતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા, આ પછી યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને શહેરની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરમાંથી વધુ એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં પૈસાની લેવડદેવડ મામલે એક યુવાનને ત્રણ સભ્યોએ છરીના ઘા મારીને ઘાયલ કરી દીધો છે. શહેરના વડવા તલાવડી વિસ્તારમાં અરવિંદભાઇ નામનો યુવક ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરવા આવ્યો હતો, આ દરમિયાન તેના પર પતિ, પત્ની અને અન્ય એકે, એમ કુલ ત્રણ વ્યક્તિઓએ મળીને છરી વડે હુમલો કર્યો હતો, આ ઘટનામાં ઉછીના રૂપિયા પરત લેવાના મામલે દીકરાની દાઝ તેના પિતા ઉપર છરીના ઘા મારીને ઉતારવામાં આવી હતી, પીડિત અરવિંદભાઇ વાઘેલાની હાલત ગંભીર થઇ જતાં તેમને શહેરની સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ પછી અરવિંદભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પતિ, પત્ની સહિત 3 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના તળાજા પાસે એસટી બસ પલટી જતાં અકસ્માત, 15 મુસાફરોને પહોંચી ઇજા
તળાજા નજીક મહુવા હાઇવે પર એસટી બસ પલટી જતાં ખાડામાં જઇ પડી હતી. આ દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. એસટી બસ અચાનક ખાડામાં પડી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. 15 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. 15માંથી ત્રણ લોકોને વધુ ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ઘટના તળાજાની નજીક બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુર્ઘટના અંગે અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી હતી.
તો બીજી તરફ ત્રિપલ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટના જેતપુરમાં ધારેશ્વર પાસે એસટી બસ, કાર અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઈજા પહોંચી હતી. જો કે એસટી બસમાં સવાર 47 મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ટ્રીપલ અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહનો રોડ પર અટવાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
તો બીજી તરફ મહેસાણાના સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી.
ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો
આ ટક્કર એટલી ગંભીર હતી કે, ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.