BHAVNAGAR : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ‘મા ભારતી’ના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાયો હતો.


મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.


ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા ભાવનગર શહેરમાં પ્રથમવાર યોજાઈ હતી.


અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી.


આ અવસરે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ પાળિયાને પોંખવાનો અવસર છે તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો અવસર છે.




અખંડ ભારતના નિર્માણમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કારણે જ કદાચ ભારતના નામની શરૂઆતના પ્રથમ અક્ષર ભાવનગરને લઈને ભા-રતથી શરૂ થાય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વીરોને વિસારી દેવામાં આવ્યાં હતાં તેવાં સમયે આ કાર્યક્રમ દ્વારા તેને પુનઃ સજીવન કરવામાં આવી રહ્યો છે. 


આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આ એક એવો કાર્યક્રમ છે જે ભાષણનો નહીં પણ જોવાનો, માણવાનો છે. 


તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીનું અમૃત વર્ષ સમગ્ર દેશમાં આપણે ઉત્સાહભેર ઉજવી રહ્યાં છે તેવાં સમયે આ વીરાંજલિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે જ્યારે આપણે જીવનમાં જે કંઈ કરીએ ત્યારે 'માં' ભારતી સૌ પ્રથમ હોય તેમ સંકલ્પબદ્ધ થઈએ તેવી અપીલ તેમણે કરી હતી.