Jayveer Rajsinh Gohil tweet: દેશના વડાપ્રધાન ભાવનગર આવીને કરોડો રૂપિયાના વિકાસની જાહેરાત કરે છે પરંતુ ભાવનગરના રસ્તાઓ કેમ રીપેર થતા નથી તે એક વેધક સવાલ છે, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે તાજેતરમાં કેન્દ્રના મંત્રીએ ગુજરાતમાં રસ્તાઓ બહુ સારા છે તે મામલે કરેલા ટ્વિટને જવાબ આપતા ભાવનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે યુવરાજે એમ પણ કહ્યું કે જેમની જવાબદારીમાં આવે છે તે કામ ન કરે તો તેને ઘર ભેગા કરી દો.
નોંધનિય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂતકાળમાં અનેક વખત તાકીદે રોડ રસ્તાઓ રીપેરીંગ કરવા માટે સૂચનાઓ આપી છે પરંતુ ભાવનગરના સત્તાધીશ શાસકો માની રહ્યા ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેર અને અંતરિયાળ ગામોમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. તાજેતરમાં ભાજપનાં કેન્દ્રના કાનૂન મંત્રી કિરન રિજીજુ બે દિવસય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમને અનેક વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.
ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થાય છે
આ દરમિયાન તેઓ ભાવનગરથી બાય રોડ અમદાવાદ હાઈવે પર સફર કરી હતી, જેમાં તેમને એક વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું હતું. તેમાં ગુજરાતના રોડ રસ્તાઓ ખૂબ સારા હોવાના દાવો કર્યા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે "ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાઓનું સમારકામ થાય છે" આ ટ્વિટને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.
રોડ રસ્તાને લઇને રાજકીય ધમાસણ શરૂ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની પણ એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આ ઉપરાંત ટોચના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટા ફેરા પણ વધી ગયા છે. બે દિવસ પહેલા ભાવનગરમાં કેન્દ્રના કાનૂન મંત્રી કિરણ રિજિજું ડિસ્ટ્રિક્ટ કોર્ટના ભૂમિ પૂજન માટે પહોંચ્યા હતા અને જિલ્લાની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા બાદ ભાવનગરના યુવરાજ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ પછી વિપક્ષ અને અપક્ષ દ્વારા રોડ રસ્તા મુદ્દે સરકારને અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ રોડ રસ્તાને લઇને રાજકીય ધમાસણ શરૂ થયો છે
ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લામાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે પરંતુ રોડ રસ્તાઓની સ્થિતિ સુધરી રહી નથી. માત્ર થોડા દિવસો બાદ કે પ્રથમ વરસાદના આગમન પછી તમામ રોડ રસ્તાઓ તૂટીને બે હાલ બની જાય છે. જોકે શહેરીજનો વારંવાર અધિકારીઓને રજૂઆત કરે છે પરંતુ સત્તાધીશો અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
જીતુ વાઘાણીનો આદેશ પણ અધિકારીઓ ઘોળીને પી ગયા
ભાવનગરના રોડ રસ્તા રીપેરીંગ કરવા માટે ખુદ ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ અગાઉ સાત દિવસમાં રીપેરીંગ કરી દેવા માટે આદેશ આપ્યા હતા પરંતુ કોઈ કામગીરી થઈ નથી જેનો ભોગ પ્રજાજન બની રહી છે. લાખો કરોડો રૂપિયાનો મનપા ટેક્સ ઉઘરાવી રહી છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી રહી છે. શહેરના રોડ રસ્તાની હાલત તો અત્યંત ખરાબ છે પરંતુ અંતરિયાળ રોડ રસ્તાની હાલત પણ અતિ બિસ્માર જોવા મળી રહી છે.