ભાવનગરમાં પોલીસ અધિકારીના પુત્રની સપરિવાર આત્મહત્યામાં મોટો ધડાકો, ક્યા નજીકના સગાએ આપઘાત માટે મજબૂર કર્યાની નોંધાઈ ફરિયાદ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Oct 2020 09:28 AM (IST)
ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત ડીવાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ એન. જાડેજાએ 16 સપ્ટેમ્બરના રોજ સાંજે સપરિવાર આપઘાત કર્યો હતો.
ભાવનગરઃ ભાવનગરમાં નિવૃત્ત ડીવાય.એસ.પી.ના પુત્રે પરિવારના સભ્યોને ગોળી મારી આત્મહત્યા કરી લીધી એ કેસમાં તેમના પિતા અને નિવૃત ડીવાય.એસ.પી.એ મૃતક પુત્રના સાઢુ સામે આપઘાત કરવા માટે મજબૂર કરવાની નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ મૂક્યો છે કે, સાઢુએ તેમના દીકરા સાથેની ભાગીદારી પેઢીમાં રૂપિયા 45.30 લાખની ગોલમાલ કરી વિશ્વાસઘાત કરી તમામને મરવા મજબૂર કર્યા હતા. આ ઉપરાંત મૃતક યુવાનની દિકરીની સગાઇના નામે સાઢુ તથા તેમનો પરિવાર અડધી સંપતિનું વીલ લખી આપવાનું દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. ભાવનગર શહેરના વિજયરાજનગરમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત ડીવાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ એન. જાડેજાએ 16 સપ્ટેમ્બરના રોજ સાંજે સપરિવાર આપઘાત કર્યો હતો. તેમણે પોતાની લાયસન્સવાળી રીવોલ્વરમાંથી ફાયર કરી તેમનાં પત્ની બિનાબા, બે પુત્રીઓ નંદિનીબા અને યશસ્વીબાને ગોળી માર્યા બાદ પોતાને ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. મૃતક યુવાન પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહ એન. જાડેજાના પિતા અને નિવૃત ડીવાય.એસ.પી.નરેન્દ્રસિંહ બહારદુરસિંહ જાડેજાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેમના મૃતક પુત્ર અને પરિવારના નિધન બાદ તેમના કબાટમાંથી નવ પાનાની એક ફાઇલ મળી આવી હતી. તેમાં દર્શાવાયેલ વિગત અને તેના આધારે તપાસ કરતાં તેમના મૃતક પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહના સાઢુભાઇ યસુભા ઉર્ફે યશવંતસિંહ રઘુભા રાણા સાથે માં એન્ટરપ્રાઇઝ નામથી ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં તેમના સાઢુ યસુભાએ અલગ-અલગ સમયે વિવિધ વ્યવહારો અને ખર્ચ બતાવી ભાગીદારી પેઢીમાંથી રૂપિયા 45.30 લાખનો ગોટાળો કરી તેમની સાથે દગો અને વિશ્વાસઘાત કર્યો હતોે. યસુભા ઉર્ફે યશવંતસિંહ રઘુભા રાણા,તેમના પત્ની મીનાબા,યશુભાના પિતા રઘુભા રાણા યસુભાના માતા દ્વારા ફરિયાદીના મૃતક પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહને તેમની પુત્રી યશસ્વીબાની સગાઇ મૃતકના સાઢુભાઇ યસુભા ઉર્ફે યશવંતસિંહ રઘુભા રાણાના પુત્ર યજ્ઞાદિપસિંહ સાથે કરાવવા દબાણ કરતા હતા. સગાઇની સાથે તેમના મૃતક પુત્રની સંપતિના અર્ધો ભાગની વીલ તેમના પુત્ર યજ્ઞાદિપના નામે કરી આપવા દબાણ કરી ધાક-ધમકી આપતાં હોવાનું પણ તેમણે ફરિયાદમાં ઉમેર્યું હતું. યસુભાની પુત્રી રૂતિકાબા, પુત્ર યજ્ઞાદિપસિંહ પણ તેમની બન્ને પૌત્રીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોવાનું ફરિયાદમાં જણાવી ઉક્ત તમામ છ લોકોના ત્રાસના કારણે ફરિયાદીના પુત્ર પ્રદ્યુમનસિંહ ઉર્ફે પૃથ્વીરાજસિંહે તેમના પરિવારને ગોળી મારી પોતાને પણ મરવા મજબૂર બન્યું હતું એવો આક્ષેપ કર્યો છે. નિલમબાગ પોલીસે આઇપીસી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.