ભાવનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. મુખ્યમંત્રીએ  રવિવારે, વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યુ હતુ, ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.


 






વડા પ્રધાને આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા,સ્વાસ્થ્ય ,યોગ,સ્પોર્ટ્સ,ડિજિટલ પેમેન્ટ, વ્યસનમુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો  આગ્રહ,  મિલેટ શ્રી અન્નને પ્રોત્સાહન વગેરે બાબતોને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અપિલ કરી હતી. ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.


પ્રભારી સચિવ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે. 


ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાને શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું. મેયર ભરત બારડે સમારોહને સંબોધતા કહ્યુ હતુ કે જનસુખાકારીના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સમગ્ર જિલ્લો મુખ્યમંત્રીનો આભાર માને છે. સમારોહની આભારવિધિમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ તેમજ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માની ઋણ સ્વીકાર કર્યુ હતુ.


આ પ્રસંગે ધારાસભ્ય સર્વે ભીખા બારૈયા, શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર,મહાનગરપાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાય, પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા , મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર એમ.એમ.ત્રિવેદી, સ્થાનિક આગેવાનો અભયસિંહ ચૌહાણ, રાઘવજી મકવાણા સહિતના મહાનુભાવો,અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.