પાલિતાણાઃ અરબ સાગરમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 290 કિલોમીટર, તો દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 360 કિ.મી, તો કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમથી 370 કિલોમીટર દૂર છે.


વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગરના પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી કપાસ, અનાજ, કઠોળની હરાજી બંધ રહેશે. બાદમાં 19 જૂનથી પાલિતાણા યાર્ડમાં રાબેતા મુજબ શરૂ થશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 14 જૂન સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્તર-ઉત્તર પૂર્વિય તરફ આગળ વધી 15 જૂન એટલે કે ગુરૂવારના દિવસે માંડવી અને જખૌ બંદરે પાસેથી પસાર થશે. વાવાઝોડાનો એક ભાગ પાકિસ્તાનના કરાંચી તરફ હશે. વાવાઝોડું જ્યારે પસાર થશે ત્યારે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાક હવાની ઝડપ હશે.


વાવાઝોડાના કારણે રાજ્યના 8 જિલ્લાઓ પ્રભાવિત થશે. 8 જિલ્લાના 441 ગામોના 16 લાખથી વધુ લોકોને અસર થશે. અત્યાર સુધીમાં 8 જિલ્લાના છ હજાર 827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 1800 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો મોરબીના માળિયાના કાંઠા વિસ્તારમાંથી એક હજાર 372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સલાયાના નીચાણવાળા વિસ્તારોમાંથી 157 લોકોનું તો પોરબંદરમાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.


કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર 



વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં આજે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે કચ્છના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠાના વિસ્તારના લોકોનું આજે પણ સ્થળાંતર કરવામાં આવશે.


વાવાઝોડાને પગલે રાજ્યમાં એનડીઆરએફે સંભાળ્યો મોરચો


વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝુંપડાઓ કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતીને લઈને બચાવ અને રાહત માટે NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.


કચ્છમાં NDRFની ત્રણ અને SDRFની બે પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. તો રાજકોટમાં NDRFની ત્રણ ટીમ મોકલવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં NDRF અને SDRFની બે બે ટીમો મોકલવામાં આવી છે.


આ તરફ મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢમાં NDRFની એક એક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. વલસાડમાં NDRFની એક અને પાટ, બનાસકાંઠામાં SDRFની એક એક ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં NDRFની એક ટીમ તો સુરતમાં SDRFની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.


આમ NDRFની 15 ટીમો તૈનાત, તો છ રિઝર્વ કરી કુલ 21 ટીમો સજ્જ કરાઈ છે. જ્યારે SDRFની 12 ટીમ તૈનાત અને એક ટીમ રિઝર્વ મળી કુલ 13 ટીમો સજ્જ કરવામાં આવી છે