Bhavnagar : ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી હતી. એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ ડુપ્લીકેટ નોટના કૌભાંડમાં તપાસ દરમિયાન અન્ય લોકોના નામ ખૂલે તેવી પુરી સંભાવનાઓ છે. 


બોટાદથી આવી હતી આરોપી મહિલા 
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ ચોકી હેઠળ આવેલા તરસમીયા રોડ પર બે દિવસ પહેલા બોટાદથી આવેલ મનીષા રેલીયા દ્વારા બે હજારના દરની ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરીને તમામ નોટો વટાવે તે પહેલાં જ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. 


સાડા સાત લાખની નકલી નોટ સામે અઢી લાખ લેવાના હતા 
બનાવની વિગતો મુજબ બે હજારના દરની પ્રિન્ટિંગમાં પ્રિન્ટ કાઢી બનાવટી નોટો તરીકે ઉપયોગ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો જેમાં બોટાદની મહિલા દ્વારા ભાવનગર શહેરમાં રહેતી રેખાબેનના સંપર્કમાં આવી હતી અને રૂ.7,58000 રૂપિયાની બનાવટી નોટોનો પ્લાન રચી ડુપ્લીકેટ નોટો બદલાવી તેના બદલામાં અઢી લાખ રૂપિયા લેવાનો પ્લાન ઘડાયો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસની ગુપ્ત માહિતી આધારે બંને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે


ગુનાહિત ઈતિહાસ ધરાવે છે બોટાદની મહિલા 
બોટાદમાં રહેતી અને ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતી મહિલા મનિષાબેન રેલીયા અને હાલમાં જેલમાં તેમની સાથે સંપર્કમાં આવેલ ભાવનગરની મહિલા રેખાબેન મકવાણા દ્વારા અગાઉથી જ પ્લાન ઘડી કાઢીને અને ભાવનગર શહેરના તરસમીયા રોડ પર આ નોટોનો વહીવટ કરવા માટે ભેગા થયા હતા.જે દરમિયાન ભાવનગર એલસીબી અને એસઓજીના સ્ટાફને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા આ બંને મહિલાઓ ભારતીય બનાવટના ડુપ્લિકેટ નોટો સાથે ઝડપાઈ હતી. જેમાં રેખાબેન મકવાણા પાસેથી પોલીસે રૂપિયા 2000 દરની ના 33 બંડલ અને મનિષાબેન રેલીયા પાસેથી બે હજારના દરની નોટોના 22 બંડલ મળી કુલ 758000 રૂપિયાની નકલી નોટો કબજે કરી હતી.


કૌભાંડમાં અન્ય સાગરીતોના નામ ખુલવાની સંભાવના 
ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાનો કારસો રચનાર બંને મહિલાઓ પોલીસના હાથે ઝડપાઈ હતી, જોકે હાલ પોલીસ દ્વારા બંનેની સામે કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે, રિમાન્ડ દરમિયાન આખા પ્રકરણમાં અન્ય ઈસમોના નામ આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.