Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હોવા છતાં અમુક લોકો તેમાંથી પસાર થવાની હિંમત કરતા હોય છે, જેના કારણે ક્યારેક તેમનો જીવ પણ જતો હોય છે. નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હતી. કારમાં સવાર ચાર લોકોનો ફાયર વિભાગ રેસ્ક્યુ કરી બચાવ કર્યો હતો. ગરનાળામાંથી પસાર થઈ રહેલા યુવાનોને અચાનક પાણીનો વધી જતા પાણીમાં કાર સાથે ડૂબવા લાગ્યા હતા. જોકે મહામહેનતે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.


ભાવનગરમાં પાણીમાંથી પસાર થતાં બાઈક ચાલક માટે જેસીબી બન્યું દેવદૂત

ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. પરિવારના ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામનાં જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીનાં પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચ્ચોવચ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી પસાર થતી વખતે તણાવા લાગ્યા હતા, જોકે જેસીબીની મદદથી બચાવી લેવાયા હતા.




રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત


રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.


ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ


રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ,બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.




24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.