ભાવનગર: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ  જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં આગાહી કરાઈ છે. ઘણા જિલ્લાઓમાં આજે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. 

પાલીતાણા પંથકમાં જોરદાર વરસાદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પાલીતાણાના તળેટી વિસ્તારમાં વરસાદના પાણી માર્ગો ઉપર ફરી વળ્યાં હતા. બપોરના અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે.  પાલીતાણાના વિરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવાવ, રાજથળી, સેંજળીયા, ઘેટી સોનપરી, વડાળ, કદમગિરી સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. 

આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   અરવલ્લી, મહિસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદનું એલર્ટ છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે 14 જુલાઈએ 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15મી તારીખે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે.

13 જૂલાઈના રોજ આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

13 જૂલાઈ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે વધુમાં  હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.