ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભાવનગર શહેર સહિત જિલ્લાના મહુવા,  ઘોઘા,  વલ્લભીપુર, પાલિતાણા, સિહોર,  તળાજા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.  ભાવનગર શહેરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.  સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ હતું. 


સવારે 10 વાગ્યા આસપાસ  એકાએક વરસાદ તૂટી પડ્યો હતો.  વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  શહેરના ક્રેસન્ટ, કુંભારવાડા, શિવાજી સર્કલ, ઘોઘા સર્કલ, નીલમબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  ભાવનગર શહેરનો કુંભારવાડા વિસ્તાર તો જળબંબાકાર થયો હતો.  કુંભારવાડામાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ ભાવનગર મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. કુંભારવાડાના મઢીયા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.  ગરનાળામાં પણ પાણી ભરાયા હતા. 


સિહોર તાલુકામાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા.  સિહોર તાલુકાના સણોસરા, સાંઢીડા મહાદેવ, સરવેડી, સોનગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.  ખેતરોમાં કાચું સોનું રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. 


પાલિતાણા શહેર અને તાલુકામાં પણ  વરસાદી માહોલ રહ્યો. 2 દિવસના વિરામ બાદ પાલિતાણામાં ફરી એક વરસાદ વરસ્યો હતો.  અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  પાલિતાણા તાલુકાના નાનીમાળ,  સેંજાળિયા,  વીરપુર, ડુંગરપુર, લુહારવાવ,  જામવાળી અને જીવાપુર સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા.  


દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાળથર અને મોટી ખોખરી ગામની નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી ફરી વળતા ભાડથર અને ભીંડા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે.  જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 


પાનેલી, ગાંગલી, ચાસલાણા, દેવળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા અને સલાયા પંથકમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે.  સલાયા અને માંઢા ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા છે.  


યાત્રાધામ દ્વારકામાં પણ છેલ્લા એક કલાકથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.  ધીમી ધારે વરસાદને લીધે તમામ રોડ રસ્તાઓ પર પાણી ફેરવાઈ ગયા છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  


 


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.  જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં  ભારે વરસાદ વરસશે. 


આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસશે.