ધાર્મિક પ્રસંગના નામે ભાજપના નેતાએ ઉડાવ્યા કાયદાના ધજાગરા, પાળીયાદમાં યોજાયો પધરામણી કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2020 08:09 AM (IST)
રાજય સરકારે કોઈપણ ઉજવણીમાં 100 કરતા વધુ લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુક્યો છે.
ભાવનગરઃ બોટાદના પાળિયાદમાં ભાજપના નેતા અને ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડિયાની હાજરીમાં ઉડ્યા સોશલ ડિસ્ટન્સના ધજાગરા. પાળિયાદમાં શંભુનાથ ટુંડિયાની પધરામણીનો બેન્ડ વાજા સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મોટી સંખ્યામાં લોકો સામેલ થતા સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. રાજય સરકારે કોઈપણ ઉજવણીમાં 100 કરતા વધુ લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં અહીં સેંકડોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. તેમાં કેટલાક લોકો માસ્ક વગર જ ફરતા દેખાયા હતા. નોંધનીય છે કે કોરોનાના કહેરની વચ્ચે સામાન્ય માણસે લગ્ન માટે પણ કલેક્ટર પાસે મંજૂરી લેવી પડે છે ત્યારે અહીં તો મંજૂરી વગર જ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને કોઈપણ રાજકીય કાર્યક્રમ ન યોજવા આદેશ કર્યો હતો. જેમાં ભાજપના એક પણ નેતાએ રેલી કે સમારોહ ન યોજવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. મહત્વનું છેકે રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સૂચના અપાઇ હતી.