ભાવનગરમાં વન વિભાગના અધિકારીએ જ કરી પરિવારજનોની હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. વન વિભાગના અધિકારી પર પોતાના બે સંતાન અને પત્નીની હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ ત્રણ મૃતદેહોને દફન કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાએ ક્વાર્ટર પાસે જ માતા-પુત્ર, પુત્રીની હત્યા કરી તેમના મૃતદેહને  ખાડામાં દાટી દીધા હતા. પોલીસે ખાડો ખોદતા નયનાબેન અને બે સંતાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવાર ગુમ થયાની શૈલેષ ખાંભલાએ જ ભાવનગર પોલીસને જાણ કરી હતી. હત્યારો ACF શૈલેષ સુરતથી ભાવનગર પોલીસને હાથ લાગ્યો હતો. હત્યાના પુરાવા એકઠા કરી ACF શૈલેષ ખાંભલાની ધરપકડ કરાશે. શૈલેષે ત્રણ પરિવારજનોની હત્યા કેમ કરી તેનું રહસ્ય હજુ અકબંધ છે. શૈલેષના પત્ની અને સંતાનો સુરતથી વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. પત્ની અને સંતાનો ગુમ હોવાથી ત્રણ દિવસ પહેલા શૈલેષે ફરિયાદ નોંધાવી હતી.

Continues below advertisement

ગઈકાલે ફોરેસ્ટ કોલોનીમાંથી શૈલેષ ખાંભલાની પત્ની અને બે સંતાનોનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શૈલેષ ખાંભલાએ સાત તારીખે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ ગઈકાલે ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો ખોદી દાટી દેવાયેલા ત્રણ મૃતદેહ મળતા જ પોલીસને શૈલેષ ખાંભલા પર શંકા ગઈ હતી. 

પોલીસે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે. ભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ત્યારે પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે, જે ત્રણ લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સવાર પડતા જ પોલીસ જેસીબી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ભાવનગર પોલીસે ખોદકામ કરતા ત્રણેયના કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે નયનાબેન, પૃથા અને ભવ્યના હોવાની પરિવારજનોએ ઓળખ કરી હતી. જે ત્રણ લોકો ગુમ હતા તેઓના તેના ઘરની નજીકથી જ દાટેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Continues below advertisement

શૈલેષ ખાંભલાએ પત્ની અને બે સંતાનોની હત્યા કેમ કરી તેને લઈ પોલીસ ટૂંક સમયમાં જ ખુલાસો કરી શકે છે. ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસે આજે આ કેસને લઈ સિલસિલાબંધ વિગત જાહેર કરી શકે છે. ભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.