Crime News: બોટાદના બરવાળા તાલુકાના પોલારપૂર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસેના નાળા પાસેથી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી છે. પોલારપુર ગામના રેલ્વે સ્ટેશન પાસે રહેતા 40 વર્ષીય ભરતભાઈ ભગુભાઈ બાટિયા નામના વ્યક્તિની હત્યા નિપજાવેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે બરવાળા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે બરવાળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે જે વિગતો સામે આવી રહી છે તે મુજબ અગાઉની જુની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. બરવાળા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે હત્યા કોણે અને શા માટે કરી તે અંગેનું રહસ્ય ઘેરુ બન્યું છે.
મહેસાણામાં ગળે ફાંસો ખાઈ ખેડૂતે કરી આત્મહત્યા
ખેરાલુમાં ખેડૂતે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ખેડુતે આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેના પરથી આત્મહત્યા કરવા પાછળનું કારણ સામે આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં જણાવ્યા પ્રમાણે ખેરાલુના બિલ્ડરે ખેડુતના ખેતરનો રસ્તો બંદ કરતા ખેડૂતે કરી આત્મહત્યા કરી છે. સ્યુસાઈડ નોટને આધારે પોલીસે બિલ્ડર સહીત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડર વિનું ચોધરી સહીત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નોંધનિય છે કે, ગઇકાલે ખેડૂતે સ્યુસાઈડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો.
સાપુતારા રોડ પર બસ ખીણમાં ખાબકી
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સાપુતારા રોડ પર સુરતની એક ખાનગી બસ ખીણમાં ખાબકતા બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 46થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક વહીવટી પ્રશાસન અને ગ્રામજનો બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હેલ્થ સેન્ટરમાં ખસેડવામા આવ્યા હતા. સુરતના શ્યામ ગરબા ક્લાસિસની બસ શનિવારના રોજ ગિરિમથક સાપુતારાની એક દિવસની પીકનીકનું આયોજન કર્યુ હતુ. શ્યામ ગરબા ક્લાસિસની પાંચ બસ સાપુતારાના પ્રવાસે ગઈ હતી. ત્યારે મોડી સાંજે વરસતા વરસાદ વચ્ચે સુરત ફરતા સમયે સાપુતારાથી ઘાટ ઉતરતા સમયે મયુર હોટલ નજીક ભયજનક વળાંગ પાસે પાંચ બસ પૈકી GJ-02-W-0150 નંબરની બસ સ્લીપ થઈ જતા ખીણમાં ખાબકી હતી. 50થી વધુ મુસાફરો ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સાથે જ સ્થાનિક વિસ્તારના ગ્રામજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. અકસ્માતમાં બે મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને શામગહાન આરોગ્ય કેંદ્ર પર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે અકસ્માત ગ્રસ્ત બસના મુસાફરોને અન્ય ખાનગી વાહનોમાં સુરત લઈ જવાયા હતા.