Bhavnagar News: રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોને મેઘરાજા ઘમરોળી રહ્યો છે. આ દરમિયાન ભાવનગર શહેરમાં આવેલા 156 વર્ષ જૂના જશોનાથ મહાદેવના મંદિરનો ભાગ વરસાદના કારણે ધરાશાયી થયો છે. પ્રાચીન જશોનાથ મહાદેવનું મંદિર ભાવનગરના સ્ટેટ મહારાજા જશવંતસિંહ ગોહિલે બંધાવ્યું હતું. મંદિરનો ભાગ બીજી વખત આ પ્રમાણે ધરાશાયી થયો છે.
રજૂઆત કરવા છતાં નથી થયું રિપેરીંગ
જશોનાથ મહાદેવનું મંદિર રિપેરીંગ કરાવવા માટે 10 વર્ષથી સિટી મામલતદારને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી મંદિરનું રિપેરીંગ કરાવવામાં આવ્યું નથી. 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મંદિરના સેવાભાવી ભક્તો ગાંધી ચિધ્યા માર્ગે આગળ વધશે.
જામનગરમાં મંદિરની દિવાલ ધરાશાયી થતાં થાંભલો રસ્તા પર પડ્યો
જામનગરના સત્યનારાયણ મંદિરની દિવાલ ધરાશાયી થતા થાંભલો રસ્તા પર પડ્યો હતો. જેના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. થાંભલો પડતાં વિજકંપનીએ વિજપ્રવાહ પણ બંધ કર્યો છે. દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિના સમાચાર નથી. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે જુના જયશ્રી સિનેમા નજીક પાણી ભરાયા છે. બેડી ગેટ, પંચેશ્વર ટાવર સહિત શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ
8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.
Join Our Official Telegram Channel: