ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા છે. શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો બોરતળાવ, ચિત્રા, નારી ચોકડી, નીલમબાગ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ જામ્યો વરસાદી માહોલ
આ સાથે જ નજીકના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો નારી ગામ, કમળેજ, કરદેજ, નેસડા, ભોજપરા સહિતનાં ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો બરબાદ થયા છે તેવામાં હજુ પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મૂકાયા છે. કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો
કચ્છ જિલ્લામાં પણ સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભચાઉ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા અને અબડાસામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ અને ગાંધીધામ હાઈવે પર પવન સાથ વરસાદ વરસ્યો છે. અંજારમાં પણ ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા છે. અબડાસા અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો છે. નખત્રાણાના રસલીયા, તો અબડાસાના નાની વમોટી ગામે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક બગડ્યો છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.