Rain: રાજ્યમાં ચોમાસાની ઋતુ બરાબરની જામી છે, ત્રીજા રાઉન્ડના વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, ભારે વરસાદના કારણે ભાવનગરમાં ઇતિહાસમાં પહેલીવાર સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લૉ થવાની ઘટના બની છે.


માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભાવગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદના કારણે ઇતિહાસમાં પ્રથમવાર સતત ચોથા દિવસે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લૉ થયો છે. પાણીની આવકમાં સતત વધારો થવાના કારણે ગઇકાલે રાત્રે 9 વાગે શેત્રુંજી ડેમ ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા, એટલું જ નહીં જળાશયની નીચાણવાળા 18 ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે. 




ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત મેઘમહેર થઇ રહી છે, અને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ અને સૌથી મોટો શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ ગયો છે, શેત્રુંજી ડેમ ગઇ રાત્રે 9 વાગે આ મહાકાય ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા જ એક અભૂતપૂર્વ વિક્રમ રચાયો હતો. આ ડેમનું નિર્માણ થયું ત્યાર બાદ એકપણ વાર આ ડેમ સતત ચાર વર્ષ ઓવરફ્લૉ નથી થયો, પણ છેલ્લાં ચાર વર્ષથી 2020થી 2023 સુધી ચારેય વર્ષે આ શેત્રુંજી ડેમ ઓવરફ્લૉ થતાં એક નવો જ ઇતિહાસ રચાઇ ગયો છે.




નદીના પટમાં ઉભેલો યુવક પાણીમાં તણાયો, TDO અને SDRFની ટીમ ઘટના સ્થળે


જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે. ઘટનાની જાણ થતા ફાયર તેમજ TDO કરદેજ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત બચાવકાર્ય માટે SDRF ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. તણાયેલા યુવકની શોધખોળ કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે. ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. માત્ર ચાર ઇંચ જેટલો વરસાદથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. સાથે રેસ્ટોરન્ટ પણ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયું છે. કુદરતી વહેણ બંધ કરી દેતા હાઈવે રોડ પર પાણી ભરાય રહ્યું છે.


ભાવનગર જિલ્લામાં પ્રિ-મોન્સૂનના પોકળદાવા સામે આવ્યા


લાખો અને કરોડો રૂપિયા પાણીના નિકાલ પાછળ વાપરવામાં આવે છે આમ છતાં પણ નારી ચોકડી પાસે આવેલ ત્રણથી ચાર વિસ્તારમાં 24 કલાક વિતવા છતાં વરસાદના પાણી ઉતર્યા નથી. જેના કારણે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ થયા છે. સરકારી વિભાગમાં સ્થાનિકો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ખોડીયાર નગર, સવગુણ નગર, ગૌતમ બુદ્ધ અને સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશોનો માર્ગ બંધ થયો છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial